વલસાડઃ રાજ્યમાં તારીખ 8ના રોજથી સરકારની ગાઈડલાઈન મુજબ દરેક દેવાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં પણ દેવાલયો સોમવારે દરેક જગ્યાએ ખુલ્લા મુકાયા છે, પરંતુ તમામ દેવાલયોમાં સરકારી નિયમોના પાલન ચોક્કસપણે કરવામાં આવી રહ્યું છે. તેમજ મંદિરમાં આવનાર તમામ ભાવિક ભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે. ત્યારે વલસાડ શહેરના મોટા બજાર ખાતે આવેલા ગણપતિ મંદિરમાં પણ સંકટ ચોથ હોવાને કારણે પ્રથમ દિવસે જ લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જોકે સરકારી ગાઈડલાઈન મુજબ મંદિરની બહાર મંદિરમાં પ્રવેશનાર આ તમામ ભાવિક ભક્તોને સૈનિકો દ્વારા હેન્ડ વર્ક હેન્ડ વોશ કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ મંદિરની અંદર પ્રવેશતા તમામ લોકોના મોઢે માસ્ક હોય તો જ તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો સાથે-સાથે ભાવિ ભક્તો જે પણ પ્રસાદ કે કોઈપણ ચીજો ભગવાનને અર્પણ કરવા માટે આવે તેઓને પરત આપી દેવામાં આવતી હતી. આમ મંદિર પરિસરમાં પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું અને મંદિરની અંદર છ ફૂટના અંતરે લોકોને ઉભા રાખી દર્શન કરાવવાનો ફરજિયાત પણે નિયમ નક્કી કરવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે આજે અઢી મહિના બાદ વલસાડ મોટા બજાર ખાતે આવેલું અતિ પૌરાણિક એવા ગણપતિ બાપાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે જ સંકટ ચોથ હતી તો સાથે સાથે આજે મંદિરનો પાટોત્સવની તારીખ પણ હતી, પરંતુ લોકડાઉન અને સરકારી નિયમોને આધીન મંદિર સંચાલકો દ્વારા પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ નહીં, પરંતુ ભગવાનની ષોડશોપચાર પૂજન વિધિ કરવામાં આવી હતી, આમ વલસાડના ગણપતિ મંદિરમાં સરકારી નિયમોને આધીન મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.