વલસાડ : પારનેરા પારડી ગામ છેલ્લા 6 માસમાં જિલ્લામાં ડિજિટલ ગામ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યું છે. ગામના સરપંચ તુષારભાઈ જેઓ એમ ટેકની પદવી ધરાવે છે. તેમની દેખરેખમાં 6 કીમી. વિસ્તારમાં ફેલાયેલ ગામ ના દરેક ફળીયામાં એટલે કે, 11 સ્થળે CCTV સુવિધા મુકવામાં આવી છે. આ સાથે સાથે હાલના સમયને અનુરુપ વાઇફાઇ સેવા પણ કુલ 17 સ્થળે ઉભી કરવામાં આવી છે. જે હાલના લોકડાઉનના સમયમાં વિધાર્થી ઓ માટે ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણ માટે ઉપયોગી બની રહ્યું છે. એટલું જ નહીં ગામની તમામ માહિતી એક ક્લિક ઉપર મળે એ માટે સર્વે કરીને તેમના પણ ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. જેવા કે, સર્વે નમ્બર આધારિત નામો, 60 વર્ષની ઉંમર ધરાવતા લોકો, ઘર નંબર સાથે તેના રહીશોના નામ મોભીના નામ માત્ર એક ક્લિક ઉપર બેઠા બેઠા મળી શકે છે.
આ ઉપરાંત CCTV ની સુવિધા બાદ તમામ સ્થળની દેખરેખ ગ્રામ પંચાયત કંટ્રોલ રૂમ ઉપરથી કે, સરપંચના મોબાઈલ ઉપરથી પણ દેખરેખ રાખી શકાય એમ છે. ગ્રામ પંચાયત પારનેરા પારડી દ્વારા CCTVની સુવિધા પાછળ સાડાસાત લાખને ખર્ચે કરવામાં આવ્યો છે. જ્યારે વાઇફાઇ ની સુવિધા 1 લાખ 36 હજાર ના ખર્ચે કરવામાં આવી છે. આગામી દિવસમાં ગ્રામ પંચાયત પોતાની વેબસાઇટ પણ શરૂ કરવા જઈ રહી છે. તે સાથે જ અદ્યતન લાઇબ્રેરીનું પણ નિર્માણ કરી રહી છે. આમ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પારનેરા પારડી ગામ ડિજિટલ ગામ બની રહ્યું છે. મહત્વ નું છે કે, સીસીટીવી મુકવામાં આવ્યા બાદ ગુન્હાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય તેમજ અનેક ગતિવિધિ ઉપર નજર પણ રાખી શકાય છે.
નોંધનીય છે કે, શિક્ષિત સરપંચે ડિજિટલ સુવિધાઓથી ગામને જોડી દઈને ડિજિટલ બનાવી દીધું છે, એટલું જ નહીં ઈન્ટરનેટ સાથે જોડીને તેને વિશ્વ ફલક ઉપર પણ મૂકી દીધું છે. આમ વહીવટી તંત્રના અધિકારીઓ પણ ગામના વિકાસની ગાથાને વખાણી રહ્યાં છે.