વલસાડ: વાપીના છરવાડા ગામમાં ખોડિયાર નગરમાં રહેતા ચેતન પાટીલના લગ્ન મહારાષ્ટ્રના જલગાવ ખાતે રહેતી પ્રતીક્ષા પાટીલ સાથે 2 મહિના પહેલા થયા હતાં. લગ્નગાળાના આ સમય દરમિયાન શનિવારે સાંજે બન્ને પતિ-પત્ની પોતાના બેડરૂમમાં સુઈ ગયા હતાં. વહેલી સવારે એલાર્મ વાગ્યું ત્યારે, પત્ની પ્રતીક્ષા નહીં ઉઠતા તેનું શરીર તપાસવામાં આવ્યું હતું. જેમાં તેનું શરીર ઠંડુ જણાયુ હતું. જેથી પ્રતીક્ષાને નજીકના દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ સમગ્ર ઘટના અંગે પ્રતીક્ષાના માતા-પિતાને જાણ થતાં તે વાપી દોડી આવ્યાં હતાં. વાપી આવ્યા બાદ તેમણે પોલીસ મથકે હત્યા હોવાની શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેમણે પોતાની દીકરીના મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ થાય તેવી માગ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાટે FSL ટીમની મદદ લીધી હતી. જે બાદ મૃતદેહને ચલા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. જ્યારે આ ઘટના બાદ મૃતક પરણીતાનો પતિ ચેતન પાટીલે પોતે આઘાતમાં હોવાનું અને ચક્કર આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.