ધરમપુર ખાતે આવેલી વનરાજ કોલેજની પાછળના ભાગમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક અજાણ્યા વાહનથી પ્લાસ્ટિકના થેલામાં ભરીને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુનો કોથળો મુખ્ય માર્ગ ઉપર ફેંકી દેવામાં આવતા લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે આ કોથડાની આસપાસ માખીઓ મોટા પ્રમાણમાં એકત્ર થતા કોથળામાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હોવાનું જાણતાં લોકોએ સમગ્ર બાબતે ધરમપુર પોલીસને જાણ કરી હતી.
જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. લોકો એવું માની રહ્યા હતા કે, આ કોથળાની અંદર કોઈની હત્યા કરીને ફેંકી દેવામાં આવી હોય પરંતુ જ્યારે સ્થળ ઉપર પોલીસ પહોંચી અને આ કોથળાને ખોલવામાં આવ્યો તો તેની અંદર એક મૃતક વાછરડું હતું. જેને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કોલેજની પાછળ આવેલા બામટી વિસ્તારમાં મૃત પશુ અને જાહેરમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
છતાં પણ આ પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે. કોથળામાંથી મળી આવેલ મૃત વાછરડાની જાણકારી મામલતદારને થતા તેમણે પણ સમગ્ર બાબતે નિરીક્ષણ કર્યા બાદ મૃત વાછરડાને દફનાવી દેવાયું હતું. આ સમગ્ર બાબતે ધરમપુરના પીએસઆઇ એન ટી પુરાણીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી બામટી વિસ્તારમાં મૃત ઢોરોને જાહેરમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે.
પરંતુ કોથળામાં ભરીને મૃત વાછરડું નાખી દેવામાં આવતા લોકોને શંકા ગઈ હતી કે, ક્યાંક કોથળાની અંદર ગૌમાંસની તસ્કરી તો નથી થઈ રહીને. નોંધનીય છે કે, એક તરફ જ્યાં સ્વચ્છતા અભિયાનની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ધરમપુરની આસપાસના વિસ્તારમાં જ લોકો મૃત પશુઓને દાટવાની જગ્યાએ ખુલ્લેઆમ જાહેરમાં ફેંકી રહ્યા છે. જેને લઇને તેની દુર્ગંધથી લોકોની પરેશાની વધી છે.