વાપી: વિશ્વ પર્યાવરણ દિવસના ઉપાલક્ષ્યમાં વાપીમાં સ્ટ્રીટ ફોર ઑલ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આબાલવૃદ્ધ સૌ કોઈએ વિવિધ શેરી રમતો, ફ્યુઝન ડાન્સ, મ્યુઝિક, રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. વાપીના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએસ્ટ્રીટ ફોર ઓલના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથેના આ કાર્યક્રમમાં અંદાજિત 20 હજાર લોકો જોડાયા હતાં. કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા: આ અનોખા કાર્યક્રમ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં વાપી પર્યાવરણમય બન્યું છે. સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમનું આયોજન પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત કરવાનો કાર્યક્રમ છે. જેમાં જીપીસીબી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સેવાભાવી સંસ્થાના સહયોગથી વાપીના શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા છે. આવા કાર્યક્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2070 માં પર્યાવરણ ક્ષેત્રે ઝીરો કાર્બન લાવવાનું સ્વપ્ન સાકાર કરવામાં અનેક ઘણો ફાયદો થશે.
'સ્ટ્રીટ ફોર ઓલનું આ પાંચમું એડિશન છે. જેમાં દરેક સરકારી એજન્સીઓ, NGO નો સહયોગ પ્રાપ્ત થયો છે. પર્યાવરણની જાગૃતિ સાથે શહેરના બાળકો, વડીલોએ પોતાની શેરીની એ ભૂલયેલી અવનવી રમતો રમી છે. આ કાર્યક્રમમાં 20 થી 25 હજાર લોકો જોડાયા છે. જે સરકારના મિશન લાઈફના સ્વપ્નને ફળીભૂત કરતા જોવા મળ્યા હતાં.' -સતીશ પટેલ, પ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
ડાન્સ સહિત વિવિધ થીમનું આયોજન: આ કાર્યક્રમમાં વાપીના શહેરીજનોએ ભુલાયેલી રમતો રમી હતી જે આજના મોબાઈલ યુગમાં સાવ ભુલાઈ ગઈ છે. ગુંજન વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ, યોગાસન, ગીલ્લી દંડા, હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ સહિત વિવિધ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેટલાય યુવાનો અને યુવતીઓએ પોતાનું કૌવત બતાવવા રસ્સા ખેચમાં ભાગ લઇ તાકાતનો પરચો બતાવ્યો હતો. ગાયકી અને નૃત્ય ક્ષેત્રે પોતાના જાદુ પાથરતા યુવાનોએ અને કોરિયોગ્રાફરે ડીજેના તાલે અબાલ વૃદ્ધ સૌ કોઈને નચાવતા હતા. કોઈ કેરમ ઉસ્તાદ કેરમ રમ્યો હતો.
ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત: ઉલ્લેખનીય છે કે રવિવારે ગુંજનના વંદે માતરમ ચોકથી રેમન્ડ સર્કલ સુધીનો માર્ગ શેરી રમતોનો માર્ગ બન્યો હતો. જેમાં વાપીના 20 હજારથી વધુ શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અબાલ વૃદ્ધ સૌ કોઈએ આજના મોબાઈલ યુગમાં ભુલાયેલી પ્રાચીન-અર્વાચીન રમતો રમી શારીરિક તંદુરસ્તી મેળવવા સાથે પર્યાવરણની જાગૃતિમાં પોતાનો અનોખો સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આજના દિવસની શુભ શરૂઆત બિઝનેસ ડીલને બદલે બાળપણની રમતો રમીને કરી હતી.