વાપી: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અને વાપી તાલુકામાં આવેલ પોલીસ મથકે અલગ અલગ દિવસે 2 ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની 13 વર્ષીય દીકરીઓને પિતાના મિત્રોએ જ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી છે. ફરિયાદ બાદ બંને બાળકીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી વાપી પોકસો કોર્ટમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે બન્ને બાળકીઓના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો છે.
પિતાના જ મિત્ર દ્વારા દુષ્કર્મ: આ બે કેસની વિગત અંગે DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી કે, ઉમરગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી 13 વર્ષીય ભોગ બનનાર બાળકી સાથે તેના પિતાના જ મિત્ર દ્વારા દુષ્કર્મ કરતા તે ગર્ભવતી થઈ હતી. જે ગર્ભ 16 અઠવાડીયાનો થઈ ગયો હતો અને તે અંગે બાળકીના પિતાએ આરોપી વિરુદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી બાળકીનું અપહરણ: જ્યારે બીજા કેસમાં ડુંગરા પોલીસની હદમાં 13 વર્ષીય બાળકીનું અપહરણ કરી આરોપી દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરતાં તેણી ગર્ભવતી થઈ હતી. જેને 8 અઠવાડિયાનો ગર્ભ હતો અને તે અંગે બાળકીના પિતાએ ડુંગરા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોધાવી હતી.
ગર્ભપાત માટે અરજી: બંને કેસમાં બંને બાળકીના માતા પિતા દ્વારા બાળકીનો ગર્ભપાત કરવા ઉમરગામમાં નોંધાયેલા કેસમાં ગુનાની તપાસ કરનાર અમલદાર PI વી.ડી મોરીને અને ડુંગરા પોલસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ કરનાર અમલદાર PI એમ.પી પટેલને બાળકીએ ધારણ કરેલ ગર્ભપાત કરાવવા નિવેદન આપતા બંને કેસના તપાસ કરનાર અમલદારનાઓ દ્વારા બને બાળકીના મેડિકલ સર્ટીફીકેટ સાથે બંને બાળકીનાં ગર્ભપાત કરવા માટે વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટ અરજી કરી હતી.
ગર્ભપાત બાદ DNA સેમ્પલ લેવા હુકમ: અરજી આધારે નામદાર કોર્ટ દ્વારા બાળકીની સારવાર કરનાર ડોકટર, બંને કેસના બાળકીનાં માતા પિતાના નિવેદનો અને DGP અનિલ ત્રિપાઠીની રજૂઆત ધ્યાનમાં લિધિ છે. નામદાર કોર્ટનાં સ્પેશિયલ જજ એમ પી પુરોહિતે બંને બાળકીના ભવિષ્ય અને ઉંમર અને ધારણ કરેલ ગર્ભને ધ્યાનમાં લઈ તેમના ગર્ભનો ગર્ભપાત કરવાનો હુકમ કરી બંને ભ્રુણના DNA સેમ્પલ લેવડાવવાનો હુકમ કર્યો હતો.
'બન્ને કેસ સમાજ માટે ચેતવણી રૂપ છે. કેમ કે બન્ને કેસમાં બાળકીના પિતાના મિત્રોએ જ દીકરીઓને ફોસલાવી, ધમકાવી શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી છે. એટલે દરેક પરિવારને અપીલ છે કે, તેઓએ પરિવાર સિવાય આસપાસના મિત્રો, સગાસંબંધીઓ પર પણ આંખ મીંચીને ભરોસો કરવો જોઈએ નહીં. પરિચિત પર પણ ભરોસો રહ્યો નથી. હાલનો સમય ખૂબ ખરાબ છે. સમાજ માટે આ બંને કેસ દાખલારૂપ કિસ્સા છે.' -અનિલ ત્રિપાઠી, DGP
એકની ધરપકડ એક ફરાર: ઉલ્લેખનીય છે કે, વાપી પોકસો કોર્ટે પીડિત બન્ને 13 વર્ષીય બાળકીઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. આ ઘટનામાં ઉમરગામની 13 વર્ષીય પીડિતા ને ગર્ભવતી બનાવનાર પિતાનો મિત્ર મૂળ નેપાળનો છે. જેણે પીડિતાને ધાકધમકી આપી શરીરસબંધ બાંધ્યા હતાં. જે બાદ તે નાસી ગયો છે. જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલ પીડિતાના કેસમાં પીડિતાનો પાડોશી અને પિતાના મિત્રએ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધ્યા હતાં. જે બાદ સ્ફુટી ચલાવવાના બહાને વાપીથી અપહરણ કરી લઈ ગયો હતો. જે કોલ્હાપુરથી પકડાઈ ગયા બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરતા હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.