- SOGની ટીમે 2 રીઢા વાહન ચોરને દબોચ્યા
- બંધ બોડીના ટેમ્પોમાં આવી વાહનોના ટાયર અને બાઇકની કરતા હતાં ચોરી
- પોલીસે 2 ટેમ્પો, 2 બાઇક, 5 ટાયર સાથે 7 વાહન જપ્ત કર્યા
વલસાડ: વાપી ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસેથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ના PSI કે. જે. રાઠોડ અને PSI એલ. જી. રાઠોડની ટીમે 2 રીઢા ચોરની ધરપકડ કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ શખ્સ 2 ટેમ્પો, 2 બાઇક, વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી કુલ 6,03,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો: વાપી GIDC પોલીસે 11.23 લાખના દારૂ સાથે 2 MPના ડ્રાઈવર- ક્લીનરની કરી ધરપકડ
SOGની ટીમે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો
વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનમાં મહારાષ્ટ્રથી ચોરેલા ટેમ્પોમાં ચોરી કરવા આવેલા 2 રીઢા ચોરને વલસાડ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દબોચી લઈ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે, વલસાડ રૂરલ ડિવિઝનના DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે, SGOની એક ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસે પેટ્રોલિંગમાં હતી. ત્યારે, એક છોટા હાથી લઈને ઉભેલા 2 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી બંધ બોડીના ટેમ્પોમાં ચેક કરતા વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી આવ્યાં હતાં. જેના બિલ માંગતા આરોપીઓ તે રજૂ કરી શક્યા નહોતા. એ અરસામાં નજીકમાં પાર્ક અન્ય ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી 2 બાઇક મળી આવ્યા હતાં. આ તમામ વાહનો અને ટાયર ચોરીના હોવાનું આરોપીઓએ કબુલતા SOGની ટીમે કુલ 6,03,500 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
ટાયર, ટેમ્પો, બાઇક મળી કુલ 6,03,500નો મુદ્દામાલ જપ્ત
આરોપીઓની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બન્ને આરોપીઓ સુરજ જયરામ યાદવ અને અંકિત શમશેર યાદવ મૂળ યુપીના છે. જેઓ મહારાષ્ટ્રમાંથી છોટા હાથી ટેમ્પો ચોરી કરીને વાપી આવતા હતાં. વાપીમાં ટ્રક જેવા પાર્ક વાહનોને જેક લગાવી ગણતરીની મિનિટમાં વ્હીલ પ્લેટ સાથે ટાયર કાઢી તેને બંધ બોડીના ટેમ્પોમાં નાખી પલાયન થઈ જતા હતાં. એ જ રીતે પાર્ક થયેલા બાઇકને પણ ઉંચકીને ટેમ્પોમાં નાખી ચોરી કરી જતા હતાં.
આ પણ વાંચો: ચોરીના મોબાઈલમાં IMEI બદલી, પેટર્ન લોકને અનલોક કરી સસ્તા ભાવે વેંચતા 2 ઇસમોની LCBએ ધરપકડ કરી
ગણતરીની મિનિટોમાં આપતા હતા ચોરીને અંજામ
SOGના હાથે ઝડપાયેલા બન્ને આરોપીઓ રીઢા ચોર છે. વાપીના ડુંગરા, વાપી GIDC પોલીસ મથક વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ટેમ્પો, બાઇક, ટાયર અને કારની ચોરી કરતા હતાં. પોલીસે હાલ 2 ટેમ્પો, 2 બાઇક, 5 ટાયર સાથે 7 વાહન ચોરીના ગુના નોંધી આરોપીઓ અન્ય ક્યાં ક્યાં ગુનામાં સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.