ગ્રામ્ય વિસ્તારોમાં અઢી દિવસની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી બુધવારે રાતા ખાડીમાં રાસ-ગરબાની રમઝટ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન ભાવિક ભક્તોએ ઢોલ નગારાના તાલે ગરબે ઘુમતા ઘૂમતા બાપાની વિસર્જનયાત્રા કાઢી હતી.
આ પ્રસંગે કોપરાલીના વિલાસ પટેલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 3 વર્ષથી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે. અઢી દિવસે તેનું વાજતેગાજતે વિસર્જન કરે છે. બાપાની કૃપાથી છેલ્લા ત્રણ વર્ષથી તેમને નોકરી ધંધામાં અને આરોગ્યમાં ખુબ જ શાંતિ મળી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રીજીની સ્થાપના દરમિયાન સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. દરરોજ રાત્રે ભજન-કિર્તન અને રાસ ગરબાનાં આયોજન પણ ખૂબ જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે અને બાપા દરેક મનોકામના પૂર્ણ કરે છે. વધુમાં બકુલાબેન પટેલે જણાવ્યું હતું કે, ગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન 15 દિવસ પહેલાંથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ઉત્સવ દરમિયાન આરતી કરી, ભજન-કીર્તન કરી, મહાપ્રસાદ ગ્રહણ કરીએ છીએ, બાપા સદા અમારી સાથે રહે છે. એવી પ્રતીતિ અમે આખું વર્ષ કરતા હોઈએ છીએ. બસ શ્રીજી પાસે એક જ પ્રાર્થના છે કે, આ જ રીતે જીવનની છેલ્લી ઘડી સુધી ભજન કીર્તન કરતા રહીએ.