સુરત: રાજ્યમાં ફરી એકવાર આગની જીવલેણ દુર્ઘટના ઘટી છે. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના ચોથા માળે જીમ, સલૂન અને સ્પા એક સાથે ચાલી રહ્યું હતું તેમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જેમાં 2 યુવતીઓના મોત થયા છે.
ફાયર વિભાગની 8થી વધુ ગાડી સ્થળ પર પહોંચી
પ્રાપ્ત વિગતો અનુસાર, આગની ઘટના સમયે 5 થી 6 વ્યક્તિઓ ત્યાં અંદર ફસાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ વેસું, મજુરા, નવસારી બજાર અને માનધરવાજાની ફાયરની કુલ 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તે સાથે ઉમરા પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ સુરક્ષા કવચ પેહરીને ચાર લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવતીઓની ડેથ બોડી પણ મળી આવી હતી.
મોલને બે વખત ફાયર સિસ્ટમને લઈને નોટિસ અપાઈ હતી
મહત્વની વાત છે કે, આ મોલને ફાયર વિભાગ દ્વારા બે વખત ફાયર સિસ્ટમને લઈને નોટીસ આપવામાં આવી હતી. તે ઉપરાંત આ મોલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે આવ્યો છે. હાલ બંને મહિલાની મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તે સાથે જ હાલ ફાયર વિભાગ દ્વારા કુલીંગની કામગીરી હાથ ઘરવામાં આવી છે. તે ઉપરાંત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું હાલ અનુમાન છે.
સ્પામાં કામ કરતી બે મહિલાના ગુંગળામણથી મોત
આગ લાગી ત્યારે પાંચ સ્પાના સ્ટાફના લોકો હતા, જેમાં ચાર મહિલા અને વોચમેન હતો. ધુમાડો નીકળતાની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યા હતા. જ્યારે બે સ્ટાફની મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી કરીને સ્મોક ન આવે, પરંતુ વધુ પડતી આગના કારણે ધુમાડો ફેલાયો હતો અને ગુંગામણના કારણે બંને સ્પા કર્મચારીના મોત થયા છે.
દુર્ઘટના સમયે જીમ બંધ હતું, સ્પા ચાલું હતું
વિગતો મુજબ, બંને મહિલાઓના શરીર પર દાઝ્યાના કોઈ નિશાન મળ્યા નથી, પરંતુ ગૂંગળામણના કારણે તેમનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. આ જીમના માલિકનું નામ શાહ નવાજ તથા સ્પાના માલિકનું નામ વસીમ હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટના સમયે જીમ બંધ હતું, માત્ર સ્પા ચાલુ હતું.
આ પણ વાંચો: