- દેહવ્યાપારના ધંધાનો ડુંગરા પોલીસે પર્દાફાશ કર્યો
- ડુંગરા પોલીસ મથકમાં કેટલાક જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી હતી
- મહિલા અને પુરુષ સાથી મિત્ર સાથે મળીને દેહવ્યાપારનો ધંધો ચલાવતી હતી
વલસાડ: વાપી નજીક ચણોદ વિસ્તારમાં આવેલા હરિયા પાર્કમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો ડુંગરા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડુંગરા પોલીસ મથકમાં કેટલાક જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી હતી કે, હરિયા પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અને પુરુષ સાથી મિત્ર સાથે મળીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે.
નામદાર કોર્ટે નવસારી જેલમાં મોકલવા હુકમ કર્યો
આ બાતમીના આધારે ડુંગરા પોલીસે હરિયાપાર્કમાં દેહવ્યાપારનો ધંધો કરતી મહિલાના ફ્લેટમાં રેડ કરી હતી. જેમાં 3 યુવતીઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરતી મહિલા અન્ય પુરુષ સાથે ઝડપાઇ હતી. પોલીસે દેહવ્યાપારમાં ધકેલી દેનાર ત્રણેય યુવતીઓને મુકત કરાવી કૂટણખાનાની મુખ્ય સૂત્રધાર મહિલાને અન્ય પુરુષ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં તેમને નામદાર કોર્ટે નવસારી જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.