કચ્છ: વિશ્વમાં આજે નાના બાળકથી માંડીને વૃદ્ધો અનેક રીતે પોતાની આવડત વડે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને વખતો વખત સફળતા મેળવીને વર્લ્ડ રેકોર્ડ પણ સર્જતા હોય છે. ત્યારે ભુજનો 5 વર્ષીય સ્વયમ રુતુલ શાહે પોતાના ટેલેન્ટ વડે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records) માં પોતાનું સ્થાન મેળવ્યું છે.
5 વર્ષીય સ્વયમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: સોશિયલ મીડિયાના સમયમાં રોજ લોકો પોતાના ટેલેન્ટ થકી કંઈક ને કંઈક અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને વાયરલ થઈ જતાં હોય છે. જેમાં હાલમાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ અને યુટ્યુબ શોર્ટ વિડિયો માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે.
એવી જ રીતે ભુજના 5 વર્ષીય સ્વયમ શાહે 4:19 મિનિટમાં ઇ-કોમર્સ, વ્હીકલ્સ, સોશિયલ મીડિયા, ફૂડ બ્રાન્ડ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો ઓળખી બતાવી IBR Achiever (IBR અચિવર) નું ટાઇટલ જીતીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે અને કચ્છની યશકલગીમાં વધારો કર્યો છે.
માતાપિતાના માર્ગદર્શનને કારણે રેકોર્ડ બનાવ્યો: સ્વયમ ને બાળપણથી જ વિવિધ એક્ટિવિટીમાં રસ હોવાનું તેના માતા પિતાએ જણાવ્યું હતું. નાની ઉંમરમાં બાળકો જે ચિત્રો જોવે છે અને તેમને જે શીખવાડવામાં આવે છે તેઓ સહેલાઈથી શીખી જાય છે. બાળકોની ગ્રાસપિંગ પાવર વધારે હોય છે, જેથી તેઓ યાદ વધારે રાખી શકે છે.
આ ઉપરાંત સ્વયમને તેના દાદા-દાદી અને માતા-પિતા આ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. સ્વયમના માતા ધારાબેન અને પિતા રુતુલભાઈએ તેને સતત માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો.
સ્વયમને 100 જેટલા લોગો યાદ: સ્વયમના માતા ધારાબેને બે દિવસોમાં સ્વયમને વિવિધ લોગો બતાવી તેના નામ સમજાવી યાદ કરાવીને એક વખત તેને માત્ર લોગો જોઈને નામ બોલવા માટેનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ સ્વયમને 100 જેટલા લોગો યાદ રહી જતાં તેની માતાએ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવાની તમામ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી.
ત્યારબાદ સ્વયમે પોતાના ઘરે જ 4 મિનિટ 19 સેકન્ડમાં ઇ-કોમર્સ, વ્હીકલ્સ, સોશિયલ મીડિયા, ફૂડ બ્રાન્ડ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો ઓળખી બતાવ્યા હતા.
મોટા અને નાના દીકરા બન્નેએ રેકોર્ડ બનાવતા પરિવારનું નામ રોશન:
સ્વયમના પિતાએ પોતાના નાના દિકરાએ 100 જેટલા વિવિધ બ્રાન્ડના લોગો યાદ રાખવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેણે 92 જેટલા લોગો 4:19 મિનિટમાં રેકોર્ડ બનાવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉ બે વર્ષ પહેલા સ્વયમના મોટાભાઈ કિઆને આંખે પટ્ટી બાંધીને સ્કેટિંગ કરીને 59 સેકન્ડમાં 3 × 3 સાઈઝનો રુબિક ક્યુબ (rubik's cube) સોલ્વ કર્યો હતો અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. ત્યારે બંને બાળકોએ આ રેકોર્ડ બનાવી પરિવારનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: