વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઢીમસા ગામે કાંકરિયા ફળિયામાં રહેતા મોહમ્મદ સલીમ લાકડીયા સુલતાની નામના ઈસમ અને તેના પુત્ર ખુર્શીદ વચ્ચે જુના ઘરને નવીનીકરણ કરવા મુદ્દે આતંરિક ઝગડો થયા કરતો હતો. જે અંગેની અદાવત રાખી આરોપી પિતાએ તારીખ 10-12-14 ના રોજ પુત્ર નમાઝ પઢી રહ્યો હતો તે સમયે આવી કોયતા વડે હુમલો કરી પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ પુત્રવધુને પણ મારવા માટે હાથમાં કોયતો લઈને દોડ્યા હતા. જે અંગે વલસાડ કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં શનિવારના રોજ વલસાડ કોર્ટમાં આરોપી પિતા હત્યામાં દોષિત જાહેર થતા કોર્ટે આરોપી પિતાને સખત આજીવન કેદ અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે.
સરકારી વકીલ અનિલ ત્રિપાઠીના જણાવ્યાં અનુસાર નામદાર કોર્ટમાં સુનાવણી સમયે પક્ષકાર અને ફરિયાદી બંને વચ્ચે દલીલો કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી પક્ષે એવી દલીલ કરી હતી. કે જો પિતા નિર્દોષ હોય તો સગા પિતા વિરુદ્ધ શું કામ પુત્રવધુ ફરિયાદ નોંધાવે. જોકે ફરિયાદી પક્ષે પિતા વિરુદ્ધના સચોટ પુરાવા રજૂ કરતા આખરે કોર્ટે તમામ પુરાવા ગ્રાહ્ય રાખી પિતાને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફાટકારી હતી.