વલસાડઃ વાપી સુધરાઈ દ્વારા છેલ્લા એક સપ્તાહથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પાલિકાએ શાકભાજી માર્કેટ, મુખ્ય બજાર માર્ગ સહિતના 4 જેટલા મુખ્ય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પરના લારીગલ્લાનાં દબાણો દૂર કર્યા હતાં. આવા દબાણોથી ટ્રાફિક અને લોકોને થતી કનડગત દૂર કરવા હાલ સખ્તાઈ અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
વાપી સુધરાઈ વિસ્તારમાં મુખ્ય શાકભાજી માર્કેટ, બજાર રોડ પર દુકાનદારો દ્વારા તેમજ લારી ગલ્લાનાં વેપારીઓ, શાકભાજીના વેપારીઓએ દબાણ કરી અને લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી હતી. એ ઉપરાંત ટ્રાફિકને કારણે ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ જેવા બનાવો પણ બનતા હતાં, ત્યારે આવા બનાવોથી છુટકારો મેળવવા વાપી સુધરાઈએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે.
જેમાં એક સપ્તાહમાં 7 લારી, 8 કાંટા જપ્ત કરી 7 હજારનો દંડ વસૂલી સખ્તાઈથી માર્ગ પરના દબાણો હટાવાઈ રહ્યા હોવાનું સુધરાઈ પ્રમુખે જણાવ્યું હતું.
વાપી નગરપાલિકા દ્વારા મુખ્ય શાકભાજી માર્કેટમાં 9 મીટરનો રસ્તો માત્ર 5 મીટરનો જ થઈ ગયો છે. માર્ગ પરના તમામ દબાણો, દુકાનોના આગળના વધારાના છાપરા, ફૂટપાથ કબ્જે કરીને બેસેલા ફેરિયાઓ પર તવાઈ બોલાવી હતી. પોલીસ ટીમને સાથે રાખી કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતાં. જ્યારે કેટલાકે વિરોધ વ્યક્ત કરતા તેમની લારીઓ અને અન્ય માલસામાન જપ્ત કરી કડક કાર્યવાહી કરી હતી.