વલસાડ શહેરના રામ વાડી વિસ્તારમાં અતુલ વિદ્યાલય એક બસ સાંજના છેડે બાળકોને મુકવા માટે આવી હતી. બાળકોને ઉતાર્યા બાદ બસ ચાલુ રાખી બસનો ચાલક લઘુશંકા કરવા ઉતર્યો હતો. ચાલુ રહેલી બસ ઢાળ ઉપર હોવાને કારણે અચાનક જ દોડતી થઇ ગઇ હતી. લગભગ 10 મીટર સુધી ચાલેલી આ બસ નજીકમાં મૂકેલી એક કાર સાથે અથડાઈ અને એક બિલ્ડિંગના બહારની દીવાલ સાથે ભટકાઈ હતી, જેમાં બસનો કાચ તૂટી ગયો હતો ત્યારે બીજી તરફ સ્વીફ્ટ કારના આગળના બૉનેટના ભાગમાં પણ નુકસાન પહોંચ્યું હતું.
નોંધનીય છે કે, સાંજે પાંચ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. કારણ કે, આ વિસ્તારમાં મોટાભાગે ટ્યુશન ક્લાસિસ ચાલે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓએ આ મુખ્ય માર્ગ ઉપરથી આવતા જતા હોય છે અને ત્યારે જ આવી ઘટના બની છે. જેને લઇને કોઇ જાનહાનિ બની હોત તો, આ ઘટના માટે જવાબદાર કોણ આવા અનેક સવાલો લોકોમાં ઊઠી રહ્યા હતા.