- તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે
- દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે
- અસહ્ય ગરમીમાં વરસાદ થતાં વાતવરણમાં ઠંડક
વલસાડઃ અરબી સમુદ્ર માંથી પસાર થનારા વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર સજ્જ થયું છે, ત્યારે વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે વર્તાવા લાગી છે. આજે રવિવારના રોજ બપોર બાદ ભરતી શરૂ થતાની સાથે જ દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો અને દરિયાના મોજા ઊંડે સુધી ઉછળતા જોવા મળ્યાં હતા. આ સાથે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની અસર, સુરતમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે
અરબી સમુદ્રમાંથી પસાર થનારા વાવાઝોડાને પગલે વલસાડમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે, ત્યારે આજે રવિવારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં વાવાઝોડાની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી. જો કે, સાંજે 5 કલાકની આસપાસ વરસાદ બંધ થયો હતો, તો બીજી તરફ ભરતી શરૂ થતાં દરિયાના મોજામાં વાવાઝોડાની અસર અને તીવ્રતા જોવા મળી હતી.
તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સહેલાણીઓ માટે કાયમ માટે ખુલ્લો મૂકવામાં આવેલો તિથલ દરિયા કિનારો કોરોના કાળમાં સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો હતો. જો કે, બીજી તરફ હાલ 3 દિવસ માટે વાવાઝોડાની અસર ન વધે અને જાનહાનિ કે માલ નુકસાન ન થાય તેવા હેતુથી તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે ચુસ્તપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.