વાપીઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ લોકાડઉનમાં કેટલાક નિયમો હળવા કરતા સોમવારથી ઔદ્યોગિક એકમોમાં ધમધમાટ શરૂ થયો છે. જેના કારણે વાપી-સેલવાસ માર્ગ પર વાહનોની કતારો લાગી રહી છે. જેને સેનેટાઇઝ કરીને અને સંપૂર્ણ ચેકીંગ કરીને સંઘપ્રદેશમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ઉદ્યોગોને જરૂરી સલામતી સાથે ફરી શરૂ કરવાની મંજૂરી મળી જતા ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી કાચો તથા તૈયાર માલ લઈને આવતા ટ્રક, ટેંકર અને ટેમ્પો સહિતના વાહનોની અવરજવર વધી છે. દાદરા નગર હવેલીમાં પ્રવેશ માટેની દાદરા ચેકપોસ્ટ ખાતે મોટી સંખ્યામાં વાહનો પ્રવેશ કરી રહ્યા છે. આ તમામ વાહનોને ચેકપોસ્ટ પર ચેક કરી પરમીટ અને ઇ-પાસ તપાસી એન્ટ્રી આપવામાં આવી રહી છે.
દાદરા નગર હવેલીમાં 1386 એકમોને પુન: ધમધમતા કરવાની મંજૂરી પ્રશાસને આપી છે. હાલ આ ઉદ્યોગોમાં 70709 કામદારોને પણ કામ કરવાની મંજૂરી આપી છે. ત્યારે, અન્ય રાજ્યોમાંથી આવતું કાચું મટીરીયલ તેમજ પાકું મટીરીયલ લાવવા લઈ જવા માટે મુખ્ય ચેકપોસ્ટ પરથી વાહનીની અવરજવર પણ વધી છે.
પ્રશાસન દ્વારા બહારના રાજ્યોમાંથી આવતા ટ્રક સહિતના વાહનોને ચેકપોસ્ટ પર ખાસ સેનેટાઇઝરથી સેનેટાઇઝ કરી પ્રવેશ અપાઈ રહ્યો છે. જેમાં થોડોઘણો સમય લાગતો હોય મુખ્ય માર્ગ પર વાહનોની કતારો લાગી રહી છે.