વાપીના પ્રદુષણ અંગે લાંબા સમયથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT)માં કેસ ચાલી રહ્યો છે. NGT એ આ કેસમાં વાપી CETP આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપ લાઇન નાખવા અંગે નિર્દેશ કર્યો હતો, પરંતુ દમણ પ્રશાસન દ્વારા માછીમારોની રોજગારીને થઇ રહેલી અસરના કારણે પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે દમણ પ્રશાસને NGTમાં જવાબ પણ રજુ કર્યો હતો. લાંબા સમયથી ચાલતાં આ પ્રકરણમાં દમણ પ્રશાસને સુપ્રીમમાં અરજી કરી હતી. જેનો ચુકાદો દમણ પ્રશાસન તરફ આવતા હાલ દરિયામાં પાઇપલાઇન મારફતે પ્રદુષિત પાણી નહીં છોડી શકાય તેવો સ્ટે સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
છેલ્લા બે વર્ષથી આ અંગે પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન એન્વાયરોના બોર્ડમાં પણ પાઇપલાઇન નાખવા અંગેની મંજુરી આપી દેવામાં આવી છે. ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ હાલમાં દમણ પ્રશાસને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવી લીધો છે. જેથી ગુજરાતની સરહદ સુધી જ પાઇપલાઇન નાખી શકાશે.
દમણના માછીમારોના મતે વાપીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દમણના દરિયામાં નાખવામાં આવે તો માછીમારોને સૌથી વઘારે નુકસાન થાય તેમ છે. પ્રદુષિત પાણીથી માછલીઓ મૃત્યુ પામે છે. જેના કારણે માછીમારોની રોજીરોટી છીનવાઇ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મળતાં દમણના દરિયામાં વાપી CETP અને વાપીના ઉદ્યોગકારોનો પાઇપલાઇન પ્રોજેકટ પાઈપલાઈનમાં જ રહી ગયો છે. હવે આ અંગે સામેપક્ષે પણ દલીલ કરાશે એટલે કે વાપી એસ્ટેટમાંથી સુપ્રિમકોર્ટમાં જવાબો રજુ કરવામાં આવશે. બંને પક્ષોની સુનાવણી બાદ સુપ્રીમકોર્ટ અંતિમ નિર્ણય કરશે.