વલસાડ : જિલ્લામાં કોરોનાને નાથવા માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં જઈને હવે કોરોનાને નાથવા માટે લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને કોરોના સંક્રમિત વ્યક્તિને ઓળખી શકાય અને તાત્કાલિક તેને સારવાર મળી રહે તેવા આશયથી વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં આવા એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુર ખાતે યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કાર્યક્રમમાં પણ એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવેલા ખેડૂતો અને અનેક રાજકીય અગ્રણીઓએ પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
કોરોના મહામારીને પગલે હવે આરોગ્ય વિભાગ દ્રારા એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સરકારી જાહેર કાર્યક્રમોમાં પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ધરમપુર ખાતે યોજાયેલા ખેડૂતલક્ષી યોજનાઓના શુભારંભ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળે એન્ટીજન રેપિડ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત ખેડૂતમિત્રોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં હાજર રહેલા કપરાડા માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના આધ્યક્ષ ગુલાબભાઈ રાઉતે પણ એન્ટીજન રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા. જોકે, તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં કોરોનાનો આકડો 1000ની ઉપર પહોંચી ચૂક્યો છે. ત્યારે જિલ્લામાં વધુ સંખ્યામાં કોરોના ન ફેલાય અને લોકોને તાત્કાલિક કોરોનાની સારવાર મળી રહે તેવા હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. જે પૈકી એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને વલસાડ વાસીઓ પોતે સ્વયં આગળ આવીને કોરોનાનો ટેસ્ટ કરાવી શકે.