વાપીઃ વાપી નજીક ડુંગરા પોલીસ મથકની હદ વિસ્તારમાં પોલીસે લોકડાઉનનો ભંગ કરી ટેમ્પોમાં સુરત જવા નીકળેલા 38 લોકો અને ટેમ્પોચાલકને ઝડપી પાડ્યા હતાં.
મળતી માહિતી મુજબ લોકડાઉન દરમ્યાન જિલ્લાના કોઈપણ વ્યક્તિને જિલ્લાની સરહદ બહાર જવાની અનુમતિ નથી. તેવો આદેશ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાયો છે. એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ બંદોબસ્ત દરમિયાન ડુંગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ટેમ્પો ડુંગરી ફળિયામાંથી પસાર થઈ રહ્યો હતો. આ જોઈ પોલીસે ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા ટેમ્પોમાં 38 લોકો બેસેલા હતાં. જેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તમામ લોકોને ટેમ્પોચાલક સુરત લઈ જઈ રહ્યો હતો. પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી ટેમ્પો જપ્ત કર્યો છે.