વાપીઃ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રવાસી શ્રમિકો માટે લોકડાઉનના દિવસો દરમિયાન કંપનીના માલિક દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.
મોટાભાગના કોન્ટ્રાક્ટરો આ અંગે પાલન કરવામાં આવી રહ્યું નથી. શ્રમિક પરિવાર માટે ખાવા-પીવાની કે રહેવાની વ્યવસ્થા પણ કરતા ના હોય શ્રમિક પરિવારો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ શ્રમિકો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. ત્યારે આવા સમયમાં ઠેર-ઠેર નાકાબંધીમાં ગોઠવાયેલ પોલીસ દ્વારા તેમને અટકાવી તેમના માલિક કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
આવી જ એક ફરિયાદ ઉમરગામમાં આવેલ એવરેસ્ટ કંપનીના લેબર કોન્ટ્રાક્ટર અનુપ કુમાર સામે નોંધવામાં આવી છે. અનુપ કુમારને ત્યાં કામ કરતા કામદારોને લોકડાઉન દરમિયાન રહેવા-જમવાની વ્યવસ્થા પુરી પાડવાને બદલે રુમ ખાલી કરીને જવાનું કહેતા આ કામદારો પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડ્યા હતા.
લેબર કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીને કારણે પરેશાન થનારા 5 કામદારો ઉત્તર પ્રદેશ જવા માટે સુરત તરફના હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ હાઈવે પર પોલીસે તેમને રોકી પૂછપરછ કરી હતી. જે પૂછપરછમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી વલસાડ પોલીસે લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી લોકડાઉન અંગેની કાર્યવાહી હાથ ધરી છે.