વલસાડ : જિલ્લામાં કોરોનાની મહામારી શરૂ થતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં 200 બેડની કોવિડ-19 યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. જે રીતે જિલ્લામાં કોરોનાનો આંક વધી રહ્યો છે, તે રીતે હવે આ બેડની સંખ્યા પણ દિન-પ્રતિદિન ઓછી પડી રહી છે. ત્યારે વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર ન આપી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી રહી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 370 જેટલા બેડ સાથેની કોવિડની સારવાર જિલ્લા વહીવટી તંત્ર પાસે વાપી અને વલસાડ થઈને ઉપલબ્ધ હતી. ત્યારે દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર આપવા માટે વોર્ડ શરૂ કરવાની અરજીઓ મંગાવી હતી.
જેમાં વલસાડ અને વાપી મળીને કુલ 9 જેટલી ખાનગી હોસ્પિટલોએ કોરોનાના વોર્ડ શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી. જે પૈકી મળેલી કલેકટરની એક મિટિંગમાં આ 9 જેટલી હોસ્પિટલને તાત્કાલિક ધોરણ હેઠળ સરકારી ધારાધોરણ અને નિયમ અનુસાર covid 19 ની સારવાર શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે હવે લોકો ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઇ શકશે.
વલસાડ જિલ્લામાં ખાનગી હોસ્પિટલો પૈકીની વલસાડ ડોકટર હાઉસ, મૃણાલ હોસ્પિટલ, ઓર્ચીડ હોસ્પિટલ, રોય નર્સિંગ હોમ, મહેતા હોસ્પિટલ, પારડી હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ, અભિષેક હોસ્પિટલ અને વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ કોરોના દર્દીને સારવાર કરવાની પરવાનગી આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા છે. જ્યારે વાપીના જનસેવા હોસ્પિટલ અને વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં covid 19ના બેડની સંખ્યા મળી કુલ 370 જેટલા બેડ વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ હતા.હવે આ નવી હોસ્પિટલને પરવાનગી આપતા સિવિલ હોસ્પિટલ પર વધી રહેલા દર્દીઓની સંખ્યાનું ભારણ ઘટાડી શકાશે. તેમજ જિલ્લામાં મૃત્યુદર પણ ઘટાડી શકાય એવું માનવામાં આવી રહ્યું છે.