વલસાડઃ વાપી નજીક નેશનલ હાઇવે પર 35 વર્ષથી બોમ્બે રેસ્ટોરન્ટ ચલાવતા સોમેશ આનંદ અને તેમનો સ્ટાફ લોકડાઉનમાં રોજના 500 જેટલા ફૂડ પેકેટ આપી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.
સમગ્ર દેશમાં કોરોના સામેના જંગમાં જનતાને બચાવવા લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉનથી શ્રમિક પરિવારો, ટ્રક ડ્રાઈવરોની હાલત કફોડી બની છે, ત્યારે અનેક સંસ્થાઓ આવા લોકોને બનતી મદદ કરી રહી છે. આવી જ મદદ વાપી નજીક બલીઠા ખાતે નેશનલ હાઇવે પર આવેલી બોમ્બે રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.
આ અંગે હોટેલના પ્રોપરાઇટર સોમેશ આનંદે જણાવ્યું હતું કે, રોજના કેટલાય લોકો તેમની હોટલ પર આવી ખાવાનું અને પાણીની મદદ માંગતા હતા. જેમાં મોટાભાગના લોકો હરિયાણા, નાસિક, મુંબઈ સહિતના દૂરના વિસ્તારના હતા. આ તમામ લોકોમાંથી કેટલાક એવા હતા. જેઓને તેમના માલિકો દ્વારા લોકડાઉન ના કારણે છુટ્ટી આપી દીધી હતી. કેટલાકની રોજગારી પડી ભાંગી હતી.
હોટેલ માલિકના જણાવ્યા મુજબ આ સેવા તેઓ લોકડાઉન જ્યાં સુધી છે, ત્યાં સુધી કરશે. હોટેલ બહાર લોકોને ઠંડુ પાણી પણ ઉપલબ્ધ થાય એ માટે કુલર પણ મૂકવામાં આવ્યું છે. હાલ આ હોટલના પાર્કિંગમાં 200 ટ્રક પણ લોકડાઉનના કારણે પાર્ક થઈને પડી છે. જેમના કેટલાક ટ્રક ડ્રાઈવરો પણ અહીં જ ફસાયા છે. તે તમામને પણ બનતી મદદ કરવામાં આવી રહી છે.