વલસાડ:દક્ષિણ ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું હોય ત્યારે ઉત્તર ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લામાં વિવિધ બિલ્ડરોના બાંધકામ માટે મજૂરી કામ કરવા માટે આવતા મોટી સંખ્યામાં મજૂરો અચાનક લૉકડાઉનને પગલે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવા લોકો પોતાના વતન પરિવાર સાથે જવા માટે પગપાળા ચાલી નીકળ્યા છે. વળી લૉકડાઉનની સ્થિતિમાં ટ્રાન્સપોર્ટેશન એસ ટી બસ પણ બંધ હોય તમામ કામદારો પગપાળા જ વતનમાં જવાની વાટ પકડી હતી.
હાઈવે ઉપર સુમસામ જગ્યા ઉપર મોટી સંખ્યામાં લોકો મુંબઈથી અમદાવાદ તરફ ચાલતા જતા જોવા મળી રહ્યા હતા. નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો સાથે ચાલીને જતા આવા લોકો માટે પારડીની સામાજિક સંસ્થાઓ દ્વારા ધીરુભાઈ સત્સંગ હોલમાં ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાઈવે ઉપરથી ચાલીને જતા લોકોને ત્યાં બોલાવી ભોજન અને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું હતું. સાથે જ પારડી સર્કલ ઓફિસર પણ સ્થળ ઉપર પોહચી ને મુશ્કેલીના સમયે અટવાઈ પડેલા આ તમામ કામદારોને ઉત્તર ગુજરાત માં મોકલવા માટે વાહન વ્યવહાર કચેરી સાથે સંપર્ક કરીને વિશેષ બસો દોડાવવાનું આયોજનની કામગીરી ના ચક્રો ગતિમાન કર્યા છે.
ધીરુભાઈ સત્સંગ હોલ ઉપર આજે 200 જેટલા કામદારો ભોજન કર્યું હતું. જેમાં તકેદારીના ભાગરૂપે સૌને અલગ અલગ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો સાથે જ આ તમામ લોકોમાં દાહોદ ગોધરા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રના તલાસરી સુધીના લોકો ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે પોતાના વતન જવા માટે પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વાપી ઉમરગામ સરીગામ અને પારડી જેવા વિસ્તારોમાં અનેક કંપનીઓ આવેલી છે ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે દાહોદ ગોધરા સુરત નવસારી બારડોલી તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે ત્યારે અચાનક કોરોના ને લઈને અનેક જિલ્લાઓ લૉકડાઉન થઈ જતા આ તમામ કામદારો દક્ષિણ ગુજરાતમાં અટવાઇ પડયા હતા અને તેઓએ પોતાના વતન જવા માટે હાઈવે ઉપર પગપાળા જ ચાલતી પકડી હતી.