ભાવનગર: જિલ્લામાં મહુવા બાદ ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થવા પામી છે. જો કે નીચા અને ઊંચા ભાવમાં તફાવત ઘણો જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાને પણ નીચા ભાવને લઈને ટકોર કરી છે. ભાવનગર યાર્ડમાં ભાવ શું અને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ જાણો...
ભાવનગર જીલ્લો ડુંગળી પકવવાનું પીઠું કહેવામાં આવે છે ત્યારે મહુવામાં ડુંગળીની આવક શરૂ થયા બાદ ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ થઈ ગયો છે અને ઓછા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ છે, જ્યારે આગામી દિવસોમાં ડુંગળીની આવક થવાની પૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે, ત્યારે કિસાન સંઘના પૂર્વ પ્રમુખે પણ ઓછા ભાવ કેટલા મળવા જોઈએ તેને લઈને ટકોર કરી છે.
યાર્ડમાં ડુંગળીની થઈ આવક શરૂ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ હવે ડુંગળીની આવક ધીરે ધીરે શરૂ થવા પામી છે, ત્યારે યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, "હાલના તબક્કે અત્યારે ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂત ડુંગળી પકવતા શરૂ થઈ ગયા છે. અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1947 ની આવક છે. જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે. અહીં ભવાની વાત કરીએ આજની આજની 171 ભાવ ઓછામાં ઓછો છે જયારે ઊંચામાં ઊંચું 815 વેચાણ થયું છે. આગામી દિવસોમાં ડુંગળીને આવકમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે." તમને જણાવી દઈએ કે, "શિયાળુ ડુંગળી ડિસેમ્બરમાં શરૂ થશે જે માર્ચ મહિના સુધી શરૂ રહેશે."
યાર્ડમાં ઈચ્છા ભાવને લઈ ખેડૂત આગેવાનની ટકોર: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે, જ્યારે મહુવા તાલુકામાં પણ ખેડૂતો ડુંગળી લઈને મહુવા યાર્ડમાં પહોંચી રહ્યા છે. આ દરમિયાન કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વીરજીભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "ખેડૂતોને હાલની સ્થિતિ પ્રમાણે ઓછામાં ઓછા 300 રૂપિયા ભાવ મળવો જોઈએ, જેથી તેમને કોઈ નુકસાન થાય નહીં. પરંતુ જો ભાવ એનાથી નીચે જશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. જો કે ખેડૂતો બે ભાગમાં ડુંગળીનું વાવેતર કરે છે અડધું રવિમાં અને અડધું ખરીફ પાકમાં. આમ, આગામી દિવસોમાં ખૂબ ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આથી ખેડૂતોને ભાવ મળી રહે તો વધુ સારું રહેશે."
ડુંગળીની આવક આગામી દિવસોમાં થશે મબલખ: ભાવનગર જિલ્લામાં ખેડૂતો ડુંગળીનો મોટા પાયા વાવેતર કરતા હોય છે. 50 થી 60 હજાર જેટલું ડુંગળીના પાકનું વાવેતર થતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં ડિસેમ્બર માસથી શિયાળું ડુંગળીનો બજારમાં આવવાનો પ્રારંભ થશે. જો કે ભૂતકાળના વર્ષોમાં જોઈએ તો ડુંગળી દ્વારા એક લાખ સુધીની રોજની આવક થઈ છે. જેના પરિણામે ભાવનગર માર્કેટિંગ યાર્ડને સબ યાર્ડ બનાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. આમ, ખેડૂતો અને આગેવાનોની અપેક્ષા છે કે ડુંગળીના ભાવ જળવાઈ રહે. જો કે હાલ તો નીચા ભાવ 171 રહેતા ખેડૂતો ચિંતામાં છે.
આ પણ વાંચો: