અમદાવાદ : શુક્રવારની રાત્રે 10:30 થી 11 વાગ્યા આસપાસ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગના એક માળ પર આગ લાગવાની ઘટના બની હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.
'ઇસ્કોન પ્લેટિનમ' માં વિકરાળ આગ : મળતી માહિતી પ્રમાણે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 22 માળની રહેણાંક બિલ્ડિંગ 'ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ 22 માં માળ સુધી પહોંચી ગઈ હતી.
બચાવ અને રાહત કામગીરી : સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો અને 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
3 વ્યક્તિ સારવાર હેઠળ : મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન આગ સમયે બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
1 મહિલાનું મોત થયું : મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે સરસ્વતી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા કરવામાં આવ્યા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે 56 વર્ષીય મીનાબેન કમલેશભાઇ શાહ નામની મહિલાનું આ ઘટનામાં મોત નીપજ્યું છે.
આગ લાગવાનું કારણ : હજી સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે દેવ દિવાળીના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટતા હતા, તેના કારણે આ આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.