વલસાડ : વૈશ્વિક મહામારી કોરોનામાં સરકાર આંકડા છુપાવતી હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં સરકારી આંકડા મુજબ કુલ 131 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જેમાં માત્ર 9 જ કોરોનાથી અને બાકીના 122 દર્દીઓ અન્ય કારણોસર મૃત્યુને ભેટ્યા છે. જ્યારે આ અંગે ETV ભારતે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અને પારડી, ઉમરગામ તાલુકાના સ્મશાન-કબ્રસ્તાનમાં આવેલા કોરોના મૃતદેહનો આંકડો તપાસ્યો તો સરકારની પોલ ખુલી પડી ગઈ છે. વલસાડ જિલ્લામાં સરકારના કુલ 131 મોતના આંકડા સામે વાપીના એક જ સ્મશાનગૃહમાં 110 કોરોના મૃતદેહો અને પારડી તાલુકાના સ્મશાન ગૃહના 28 કોરોના મૃતદેહો મળી 132 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપ્યા હોવાની વિગતો સામે આવી છે.
વલસાડ જિલ્લાના તાલુકા મુજબ કોરોના કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સરકારી રેકોર્ડ જોઈએ તો વલસાડ તાલુકામાં 44, પારડી તાલુકામાં 20, વાપીમાં 51, ઉમરગામમાં 11, ધરમપુર માં 3 અને કપરડામાં 1 દર્દીનું મોત મળી કુલ 131 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. જો કે તેની સામે ત્રણ તાલુકાના મુખ્ય કોવિડ સ્મશાન અને કબ્રસ્તાનમાં જ કુલ 177 નો આંકડો સામે આવ્યો છે. જ્યારે એ ઉપરાંત વલસાડમાં અને ધરમપુર-કપરાડાના સાચા આંકડા મેળવીએ તો કદાચ આંકડો 200 પાર પહોંચી શકે છે. એ જ રીતે જો ગુજરાતના સાચા આંકડા મેળવવામાં આવે તો કદાચ આઘાતજનક આવી શકે છે.
ETV ભારતની તપાસમાં કોરોના કાળ દરમ્યાન નોર્મલ મૃત્યુમાં પણ વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2020ના જાન્યુઆરીથી 30મી સપ્ટેમ્બર સુધીમાં વાપીના મુક્તિધામમાં 669, નામધા સ્મશાનમાં 235, બલિઠા સ્મશાનમાં 112, પારડી સ્મશાનમાં તો, 1 એપ્રિલથી 3 ઓક્ટોબર 2020 સુધીમાં જ 155 નોર્મલ મૃતદેહોને અગ્નિદાહ અપાયો છે. જ્યારે વાપીના ચાર કબ્રસ્તાનમાં પણ અંદાજિત 70 જેટલા નોર્મલ મૃતદેહોને દફનાવવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં દેશમાં અત્યાર સુધીમાં સરકારી મોતનો આંકડો એક લાખને પાર થયો છે. જ્યારે છુપાવેલો આંકડો જાહેર કરે તો કદાચ એ દેશ માટે આઘાતજનક નીવડે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, હિંદુ સંસ્કૃતિમાં 16 સંસ્કારનું મહત્વ છે. જન્મથી મરણ સુધીના આ 16 સંસ્કારમાં છેલ્લો સંસ્કાર અંતિમ સંસ્કાર છે. જેને કોરોના કાળની થપાટે છીનવી લીધો છે, અને સરકારે એમા પણ આંકડા છુપાવાની રાજરમત રમી છે.