વલસાડઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના સંક્રમણના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં 6 ઔદ્યોગિક વસાહતો પણ આવેલી છે. જે કારણે દિન-પ્રતિદિન કોરોના મહામારીના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (v i a) દ્વારા કોવિડ 19 વોરરૂમ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. v i a હોલ ખાતે જ ઉભા કરેલા આ કોવિડ-19 વોરરૂમ સેન્ટરનું મંગળવારે વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
વલસાડ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 482
- કુલ સક્રિય કેસ - 172
- કુલ ડિસ્ચાર્જ - 272
- કુલ મૃત્યુ - 6
આ પ્રસંગે કલેકટર રાવલે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની આ પહેલને અભિનંદન આપ્યા હતા. અને જણાવ્યું હતું કે, વાપી ઔદ્યોગિક વિસ્તાર છે. અહીંના કામદારો, અહીંના લોકો અને અહીંની જાહેર જનતાની ચિંતા કરીને VIA એ આ અદભુત કામગીરી ઉભી કરી છે. કોવિડ-19 વોરરૂમ અગત્યની જરૂરિયાત છે. કોરોના સામે હવે આપણે બેકફૂટ પર કે ડિફેન્સિવ તરીકે નહીં પરંતુ ફ્રન્ટ ફૂટ પર રમી ને કોરોના સામે ફાઇટ કરવાની છે. આયોજનમાં ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારો, તબીબો અને વહીવટી તંત્રએ મળીને સહિયારા પ્રયાસો હાથ ધર્યા છે.
નવા ઉભા કરેલા કોવિડ વોરરૂમ સેન્ટરમાં ખાસ CCTV કેમેરા, ડેશબોર્ડ ઊભું કરવામાં આવ્યું છે. CCTV કેમેરાથી સજ્જ શહેરના વિસ્તારનું અહીં મોનિટરીંગ કરવામાં આવશે. જે અંતર્ગત જે લોકોએ માસ્ક પહેર્યા વિના હોય, વાહનોમાં નિયમ મુજબથી વધારે પ્રવાસી હોય એ પ્રકારના નિયમભંગ પર કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પોલીસ અને RTO વિભાગને પર્યાપ્ત જાણકારી પૂરી પાડવામાં આવશે. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોના સંક્રમણને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, VIA દ્વારા ઊભા કરવામાં આવેલા કોવિડ 19 વોરરૂમમાં કામદારોને કોરોના અંગે ઉપયોગી ટ્રેનિંગ, પોઝિટિવ દર્દીઓ અંગેનું માર્ગદર્શન તેમની નોંધણી સહિતની કામગીરી બજાવવામાં આવશે.