ધરમપુરના હાથીખાના વિસ્તારમાંથી ધરમપુર પોલીસે મોટરસાયકલ ચોરીના એક રીઢા ગુનેગારને ઝડપી પાડયો હતો. ધરમપુરના હાથીખાના વિસ્તારમાં મોટર સાઇકલ ચોરીનો આરોપી આવતો હોવાની પૂર્વ બાતમી ધરમપુર પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી પોલીસે તેને દબોચી લીધો હતો. પકડાયેલો આરોપીનું નામ કાશીનાથ અમૃત ઉર્ફે અંબા દાસ ગવળી જે મૂળ રહેવાસી કપરાડા તાલુકાના વડલી ગામનો છે. જેની સામે મહારાષ્ટ્રના ઓઝર પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ચોરીના ગુના નોંધાયા છે.
જ્યારે કલવણ પોલીસ સ્ટેશનમાં એક વણી પોલીસ સ્ટેશનમાં એક અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુનાઓ મોટરસાયકલ ચોરીના તેની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. તે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર પોલીસને થાપ આપી ગુજરાત વિસ્તારમાં ફરી રહ્યો હતો, ગઈકાલે ધરમપુર પોલીસે તેની ધરપકડ કરી તેણે મહારાષ્ટ્રના ઓઝર પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
નોંધનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલા કપરાડા અને ધરમપુર વિસ્તારના ગામોમાં સામાન્ય અંતર હોવાને કારણે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ ગુજરાતમાં ગુનો કર્યા બાદ મહારાષ્ટ્રમાં જતા હોય છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગુનો આચરનાર આ ગુજરાતના બોર્ડર વિસ્તારના ગામોમાં આવીને વસવાટ કરતા હોય છે. પોલીસની કામગીરીને કારણે આવા આરોપીઓ પકડાઇ જતા આવા અનેક ગુનાઓ ડિટેક્ટ થાય છે.