- પતિ-પત્ની પોતાની દોઢ વર્ષની બાળકીને ઘરે મૂકી ફરજ બજાવે છે
- પરિવારથી દૂર રહીને કોવિડ વોર્ડમાં દર્દીઓની સેવા કરે છે
- દર્દીઓના આશીર્વાદ બચાવે છે ઈન્ફેક્શનથી
વાપી :- કોરોના કાળના કપરા દિવસો જેમ કોરોના દર્દીઓ માટે કપરા હોય છે. તેવી જ રીતે કોરોના દર્દીઓની સારસંભાળ લેતા તબીબો, નર્સિંગ સહિતના પેરામેડીકલ સ્ટાફ માટે પણ કપરા હોય છે. વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ પતિ-પત્ની પોતાની દોઢ વર્ષની બાળકીને ઘરે મૂકી ફરજ બજાવે છે.
ઘણીવાર ડર લાગે છે
કોવિડ વોર્ડમાં PPE કીટ પહેરીને જતી વખતે એક ક્ષણ માટે ડર લાગે છે. પણ ઇમર્જન્સી વખતે PPE કીટ પહેર્યા વિના જ દર્દીઓ પાસે પહોંચી જઈએ છીએ ત્યારે દર્દીઓ અમને કઈ નહિ થાય એવા આશીર્વાદ દર્દીઓ આપે છે. આ શબ્દો વાપીની શ્રેયસ મેડીકેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના છે. શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં ગત વર્ષે હોસ્પિટલમાં હેડ મેટર્નનો કોરોનાએ ભોગ લીધો હતો. આ દુઃખદ ઘટનાને યાદ કરતા નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હનોખ બારીયા, નર્સ ફોરમ મિસ્ત્રી અને બીજલ પટેલે કોવિડ કાળના સારા નરસા પ્રસંગો જણાવ્યાં હતા.
કોરોના કાળમાં ખરા કોરોના વોરિયર્સ
શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હનોખ બારીયા અને તેની પત્ની હાલના કોરોના કાળમાં ખરા ફ્રન્ટલાઈન વોરિયર્સ બન્યા છે. હનોખ બારીયાને દોઢ વર્ષની નાની બાળકી છે. જેને ઘરે મૂકીને બન્ને પતિપત્ની કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે. તેમને સતત એક જ ડર લાગે છે કે તેમને કારણે તેમની વ્હાલસોઈ બાળકીને કોરોના તો નહીં થાય ને એ માટે તેઓ સતત સજાગ રહે છે. કોવિડ વોર્ડમાં ફરજ દરમ્યાન બનતા સારા નરસા પ્રસંગોને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષ કોરોનાએ તેમના હેડ મેટર્નનો ભોગ લીધો હતો. આ દુઃખદ પ્રસંગ નર્સિંગ સ્ટાફ આજે પણ ભૂલી નથી શક્યો.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી નર્સની માતાના નિધનના 4 દિવસમાં જ ફરજ પર પરત ફરી
ઘરે ભલે મોડું થાય પણ દર્દીઓની સારવારમાં મોડા નથી પડવું
હનોખ બારીયા જણાવે છે કે અમે સ્ટાફને સતત હિંમત આપીએ છીએ, અમે સ્ટાફને કહિએ છીએ કે આપણે કોરોના વોરિયર્સ છીએ, આ સમયે આપણે હિંમત નથી હારવાની, ઘરે જતા ભલે મોડું થાય પણ દર્દીઓની સેવામાં મોડા નહિ પડીએ તેમની સંપૂર્ણ સારસંભાળ રાખી તેને સ્વસ્થ કરી ઘરે મોકલવાના છે. આપણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છીએ અને તે જ બતાવવાનું છે. 'Duty is first priority' ના ઉદર્શયને વળગી રહી છુંગત વર્ષે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્વસ્થ થઈ ફરી કોરોના દર્દીઓની સેવામાં વ્યસ્ત બનેલા નર્સ ફોરમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એ દિવસો ખૂબ જ પીડાદાયક હતાં. એ સમયે સ્ટાફના કર્મચારીઓએ ખૂબ જ હિંમત આપી હતી. આજે પણ એ હુંફના કારણે કોવિડ વોર્ડમાં દર્દીઓની સેવા કરું છું. ઘણા પારિવારિક પ્રસંગો ઉજવી નથી શકી. 'Duty is first priority' ના ઉદર્શયને વળગી રહી છું. કોવિડ વોર્ડમાં અનેક સારા નરસા પ્રસંગો બને છે. એક ફિમેલ દર્દી સીરીયસ હતા પરંતુ હિંમત અને ધીરજથી સારા થયા અને જ્યારે તે ઘરે ગયા ત્યારે ખૂબ જ ખુશી થઈ હતી. લોકોને એક જ સલાહ છે કે તમારા સ્વાસ્થ્યને સાચવજો આ ઇન્ફેક્શનની બને તેટલા દૂર રહેવાની કાળજી રાખજો.આ ક્ષણ અમને વિચલિત કરે છેઆંખના ખૂણા ભીના કરી દેતી કહાની બીજલ પટેલની છે. બીજલ પટેલ મૂળ નવસારીની છે. અને તેમના પરિવારથી દૂર વાપીમાં જનસેવા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. બીજલ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે કોવિડના દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે જાય છે, ત્યારે તેના ચહેરા પર ખુશી છલકતી જોવા મળે છે. આ ક્ષણ અમને વિચલિત કરે છે, કેમ કે અમે પણ અમારા પરિવારથી દૂર આ ફરજ નિભાવીએ છીએ, ત્યારે પરિવાર યાદ આવી જાય છે. પરિવાર સાથે વાત કરીએ છીએ તો પણ આ પીડા તેમની સામે વ્યક્ત કરી શકતા નથી.
આ પણ વાંચો : ભરૂચના કોરોના વોરિયર્સ સફાઈ કામદારોનું સન્માન કરાયું
ક્યારેક શરીર પર રિએક્શન થતું હોય છે જે દર્દીઓના આશીર્વાદથી સારું થાય છે
બીજલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે PPE કીટ પહેરીને વોર્ડમાં જવાનું થાય ત્યારે ઘણીવાર ડર અને સંકોચ થતો હોય છે. પરંતુ ઇમર્જન્સી વખતે PPE કીટ પહેર્યા વિના જ દર્દીઓ પાસે પહોંચી જઈએ છીએ. અમારી આ સેવા જોઈ દર્દીઓ આશીર્વાદ આપે છે કે તમને કઈ નહિ થાય ત્યારે ખૂબ ખુશી થાય છે. જો કે સતત આ પ્રકારની સેવામાં ક્યારેક શરીર પર તેનું રિએક્શન થતું હોય છે. જે દર્દીઓ ના આશીર્વાદથી સારું થઈ જાય છે. એક દર્દી એવા હતા જે સિરિયસ હોવા છતાં તેમને વેન્ટિલેટર વિના જ સારા કર્યા આવા દર્દીઓ ક્યારેય ભુલાતા નથી.
દર્દીઓને આપીએ છે હિંમત
રોજ પોતાની ફરજ દરમ્યાન દરેક વોર્ડમાં રાઉન્ડ પર જવું, દર્દીઓનું ઓક્સિજન, બાયપેપ ચેક કરવું, સામાન્ય સમજણ આપી સારવાર માં સહયોગ મેળવવો, આઇસોલેટ થતા દર્દીઓને જાણે દુનિયાથી સંબધ તૂટી ગયાનો ભ્રમ દૂર કરાવવો જલ્દી સાજા થઈને ઘરે જશે તેવો એહસાસ કરાવવો જેવી અનેક જવાબદારી આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ નિભાવી રહ્યા છે.