શિમલા: વિશ્વભરમાં 19 થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીક મનાવવામાં આવે છે. આ સપ્તાહ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળો માટે ખાસ હોય છે, આ ધરોહરોના ધબકતા ધબકારા તેના ગૌરવશાળી ઈતિહાસને, પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આવી ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે, યુનેસ્કો દ્વારા દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. હિમાચલમાં પણ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક અને શિમલા કાલકા રેલ્વે રૂટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. શિમલા કાલકા રેલ્વે ટ્રેક પોતાનો એક સમૃદ્ધ અને સુવર્ણ ઇતિહાસ ધરાવે છે.
કાલકા શિમલા રેલ્વે ટ્રેકનું નિર્માણ કાર્ય અંગ્રેજોના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ભારતનું સૌથી સુંદર પહાડી રેલ્વેમાંથી એક છે જે તેની ખાસ ટોય ટ્રેન માટે દેશભરમા આજે પણ ખુબ આકર્ષણ ધરાવે છે. આ ટ્રેકનું નિર્માણ બ્રિટિશ ભારતીય રેલ્વે નેટવર્કને ઉનાળાની રાજધાની શિમલા સાથે જોડવાનું હતું. આ નેરોગેજ રેલ્વે ટ્રેક છે. તેની કુલ લંબાઈ 96.6 કિલોમીટર છે. આ ટ્રેક તેના ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કુશળ ઉદાહરણ છે.
સુહાના સફર ઔર યે મૌસમ...
આ ટ્રેક કાલકાથી શરૂ થાય છે અને શિમલામાં સમાપ્ત થાય છે. આ રોમાંચક પ્રવાસમાં, કાલકા રેલ્વે સ્ટેશન છોડતાની સાથે જ રેલ્વે લાઇન ઉપર ચઢવાનું શરૂ થાય છે. ટ્રેન 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દેવદાર, પાઈન અને ઓકના જંગલોમાંથી પસાર થઈને આગળ વધે છે. આ રેલ્વે ટ્રેક પર ગોથિક શૈલીમાં બનેલા પુલની ભવ્યતાનો અનુભવ કરાવે છે. ટોય ટ્રેનની બારી પાસે બેસીને કુદરતી સૌંદર્યને માણવું, લીલાછમ વૃક્ષોમાંથી આવતી ઠંડી પવનની લહેર અને ફૂલોની સુગંધ અનુભવવી એ આ પ્રવાસની એક અનોખી અને રોમાંચક મજાનો એક ભાગ છે. બરફથી છવાયેલા પહાડો અને વૃક્ષો વચ્ચેથી પસાર થતી આ ટ્રેન મુસાફરોને જીવન ક્યારેય ન ભૂલાય તેવો આનંદનો અનુભવ કરાવે છે. 48 ડિગ્રી નયનરમ્ય વળાંકો અને સર્પાકાર રેલ્વે ટ્રેક પર પ્રવાસ ક્યારે પૂર્ણ થઈ જાય તેનો ખ્યાલ જ નથી આવતો
121 વર્ષ જૂનો છે ઇતિહાસ
121 વર્ષ પૂર્ણ કરનાર આ રેલવે ટ્રેક ઉત્તર રેલવેના અંબાલા ડિવિઝનમાં આવે છે. 96 કિલોમીટર લાંબા ટ્રેક પરથી ટ્રેન અનેક ટનલ અને પુલ પરથી પસાર થાય છે. બડોગ રેલ્વે સ્ટેશન પર 33 નંબર બડોગ સુરંગ આ ટ્રેક પરની સૌથી લાંબી ટનલ છે (બાંધકામ સમયે તે વિશ્વની સૌથી લાંબી ટનલ હતી). તેની લંબાઈ 1143.61 મીટર છે. આ ટનલમાંથી પસાર થતા ટ્રેનને લગભગ અઢી મિનિટનો સમય લાગે છે. ટોય ટ્રેન, વિસ્ટાડોમ અને અન્ય વિશેષ ટ્રેનો પ્રવાસીઓ માટે ટ્રેક પર દોડાવવામાં આવે છે. આ ટ્રેક પર 103 ટનલ હતી, પરંતુ હાલમાં ટનલની સંખ્યા 102 છે, કારણ કે ટનલ નંબર 43 ભૂસ્ખલનમાં ધ્વંસ્ત થઈ ગઈ છે.
ખૂબ જ સુંદર છે આર્ક ગેલેરી બ્રિજ
આ રેલ્વે ટ્રેક પર ટોય ટ્રેનની મજા માણવા માટે દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ આવે છે. આ એક એવી સફર છે જે પ્રવાસીઓ ક્યારેય સમાપ્ત ન થાય તેવી કલ્પના કરે છે. આ ટ્રેક પર કનોહ પાસે આવેલ મલ્ટી આર્ક ગેલેરી બ્રિજ ખૂબ જ આકર્ષક છે. આર્ક શૈલીમાં બનેલા આ ચાર માળના પુલમાં 34 કમાનો છે, જે આ પુલની સુંદરતામાં વધારો કરે છે. તેની કુલ લંબાઈ 97.40 મીટર છે.
ટોય ટ્રેન અને રેલ મોટર કાર છે આકર્ષણ
આ ટ્રેક પર દરરોજ પાંચ ટ્રેન સહેલાણીઓ અને લોકોને લઈ જાય છે. શિવાલિક એક્સપ્રેસ, હિમાલયન ક્વીન, મેલ એક્સપ્રેસ, હિમ દર્શન એક્સપ્રેસ આ ટ્રેક પર દોડે છે. શિવાલિક એક્સપ્રેસ તેની સૌથી પ્રીમિયમ ટ્રેન છે. આ ઉપરાંત રેલ મોટર કાર, ટોય ટ્રેન, વિસ્ટાડોમ ટ્રેન પણ આ ટ્રેક પર દોડે છે. આ ટ્રેક પર 18 રેલવે સ્ટેશન છે.
બાબા ભલકુએ જોડાયેલી લોકવાયકા
બડોગમાં ટનલ નંબર 33 ના નિર્માણ સાથે જોડાયેલી એક ખૂબ જ લોકવાયકા છે. આ ટનલના નિર્માણની જવાબદારી કર્નલ બડોગને સોંપવામાં આવી હતી, પરંતુ કર્નલ બડોગ આ કામ પૂર્ણ કરી શક્યા નહોતા કારણ કે ટનલ નિર્માણના માર્ગમાં એક ટેકરી આવી હતી. ટેકરીના બંને છેડાથી સુરંગ ખોદી રહેલા કામદારો બંને છેડાને જોડી શક્યા નહોતા અને રસ્તો ભૂલી બેઠા હતા. આના કારણે બ્રિટિશ સરકારને ભારે નુકસાન થયું અને કર્નલ બડોગ પાસેથી કામ છીનવી લેવામાં આવ્યું. કર્નલ બડોગે અહીં આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ સોલનના સ્થાનિક રહેવાસી બાબા ભલકુ જેઓ અશિક્ષિત હતા, તેમણે લાકડીની મદદથી ટનલ બનાવવાનો માર્ગ સૂચવ્યો અને બાદમાં તે સફળ થયો. આજે પણ બાબા ભલકુનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. આજે આ સ્ટેશન કર્નલ બડોગ તરીકે ઓળખાય છે. જ્યારે બાબા ભલકુના નામે એક રેલવે મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.
ઘણા ફિલ્મી ગીતોનું થઈ ચૂક્યું છે અહીં શૂટિંગ
આ સુંદર ટ્રેક પહેલેથી જ પ્રવાસીઓ માટે તેમજ બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ માટેના મુખ્ય આકર્ષણ સ્થળોમાંથી એક છે. આ ટ્રેક પર બોલિવૂડની ઘણી ફિલ્મો અને ગીતોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. દોસ્ત ફિલ્મનું ગાડી બુલા રહી હૈ, મુઝકો અપના બના લો, ઓલ ઈઝ વેલ, સનમ રે, રમૈયા વસ્તાવૈયા, જબ વી મેટ જેવી ફિલ્મોના ગીતો અને ઘણા મ્યુઝિક આલ્બમ આ ટ્રેક પર શૂટ કરવામાં આવ્યા છે.