વલસાડના મુખ્ય મુદ્દાઓમાં જમીન સંપાદન સૌથી આગળ છે. મોદીનો ટ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ આવતી જમીનના સંપાદન મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આ પંથકના કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને રસ્તાની સમસ્યા વણઉકેલી છે. જે ચૂંટણીનો મુદ્દો બની શકે છે.
વલસાડ જિલ્લામાં આદિવાસીની સંખ્યા વધુ છે, ત્યારબાદ કોળી અને મુસ્લિમ તથા પારસીની વસ્તી છે. જો કે, આ બેઠક આદિવાસી માટે અનામત હોવાથી બન્ને પક્ષ આદિવાસી ઉમેદવારોને ઉતારે છે. 1957થી કોંગ્રેસના નાનુભાઈ પટેલ 1977 સુધી જીતતા રહ્યાં, 1996થી 1999 સુધી ભાજપના મણીભાઈ જીત્યા અને 2004 અને 2009ની બે ટર્મ કોંગ્રેસના કિશન પટેલ જીત્યા અને છેલ્લે 2014માં મોદી લહેરમાં ભાજપના ડો. કે.સી.પટેલ જીત્યાં હતા.
સાંસદના રિપોર્ટ કાર્ડની વાત કરીએ તો ડો.કે.સી.પટેલે 16મી લોકસભા દરમિયાન સંસદમાં એક પણ સવાલ પુચ્છો નથી. આ સિવાય હનિટ્રેપમાં ફસાતા ડો. કે.સી પટેલની છબી સાથે ભાજપની છબી પણ ખરાડાઈ છે. લોકોમાં પણ ઓછા જતાં હોવાની છાપ ધરાવનાર કે.સી. પટેલે અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ ટાવર ઉભા કરાવ્યાં છે. આ વખતે ભાજપ માટે આશારૂપ જણાતી આ બેઠક પર ડો.કે.સી.પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે, જ્યારે કોંગ્રેસે કપરાડા વિધાનસભા બેઠક પરથી સતત 4 ટર્મથી ચૂંટાતા જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને ઉમેદવારના નાનાભાઈ ડો. ડી.સી.પટેલની નારાજ છે. જો આ નારાજગી કોંગ્રેસને ફળે તો એકતરફી બની શકે તેવો આ જંગ વધુ રસાકસીભર્યો બનશે.