- LCBએ કાર શૉ રૂમ ચોરીનો ભેદ ઉકેલ્યો
- 4 રીઢા ઘરફોડ આરોપીની ધરપકડ કરી
- 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- શૉરૂમમાંથી 3.67 લાખની ચોરી કરી હતી
વાપી :- વલસાડ LCB ની ટીમે 4 આરોપીને દબોચી લઈ કારના શૉ રૂમમાં થયેલ ચોરી સહિત 28થી વધુ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. Lcbની ટીમે બાતમીના આધારે સલવાવ ઓવરબ્રીજ નીચેથી આરોપી મોહમદ અન્જાર ઉર્ફે આલમ સીદ્દીક શેખ, સૂર્યા ઉર્ફે કેન્દુ પુરણ ચૌહાણ, અબ્દુલ કરીમ અંજાર ઉર્ફે આલમ શેખ અને રાજેશ ઉર્ફે રાજુ લાલબાબુ ગુપ્તાને પકડી પાડી વધુ તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.
પોલીસે ઝડપેલાં ચારેય આરોપી પાસેથી 20 હજારનું સ્માર્ટ ટીવી, 15 હજારના 3 મોબાઈલ, 1,00000 રૂપિયા રોકડા મળી કુલ 1,35000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, થોડા દિવસ અગાઉ બલીઠા સ્થિત કિયા શોરૂમમાંથી રોકડા અને ટીવી તેમજ હ્યુન્ડાઇની દેસાઇ ઓટોમોબાઇલ્સ માં પ્રવેશી તિજોરી તોડીને રોકડા રૂ.3.67 લાખની ચોરી કરી તેઓ ફરાર થઇ ગયા હતાં.
આ પણ વાંચોઃ સુરત: 4 કિલોથી વધુ ચરસ સાથે 3 યુવાનોની ધરપકડ
બાથરૂમના કાચ ખોલી ચોરી કરતા હતાં
આ સિવાય ચારેય આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું કબુલ્યું હતું. આરોપીઓ હાઇવે ઉપર આવેલ કારના મોટા શોરૂમના બાથરૂમ બારીના કાચ ખોલી અંદર પ્રવેશી ચોરી કરતા હતાં. તેમજ રાત્રી દરમિયાન ઘરફોડ તેમજ ભંગારની ચોરી કરતા હતાં.
સૂર્યા નામનો આરોપી 28 ચોરીમાં સામેલ મુખ્ય સૂત્રધાર
પકડાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર એવા સૂર્યા ઉર્ફે કેન્દુ પુરણ ચૌહાણ વિરૂદ્ધ આરપીએફ દહાણુ રોડ મુંબઇ ડીવીઝન પોલીસમાં તેમજ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીના કુલ 28 ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રાજેશ ગુપ્તા અને અબ્દુલ કરીમ અંજાર સામે પણ વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીના એક એક ગુના છે. હાલ ચારેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં.
આ પણ વાંચોઃ ગોડાદરા ખાતે આવેલી નંદઘર આંગણવાડી પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો