વલસાડ જિલ્લામાં ચોમાસું શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગના સરકારી દવાખાનાઓમાં સિઝનલ બિમારીના કેસ વધી જતા હોય છે. જેમા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો વધુ પ્રમાણમાં હોય છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષથી જ જિલ્લાના દરેક તાલુકામાં એક્શન પ્લાન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં 358 જેટલી ટીમો સતત સર્વે કરી જરૂરી જણાય ત્યાં લોકોને દવાઓનું વિતરણ કરી રહી છે. મલેરિયા અને પાણી જન્યરોગોને રોકવા માટે એન્ટી લાર્વા એક્ટીવિટી શરૂ કરવામાં આવી છે. જ્યા વરસાદી પાણીનો ભરાવો થાય તે વિસ્તારમાં ગેમ્બુસીયા અને ગપ્પી ફીસ છોડવામાં આવી રહી છે. જેના કારણે પાણીમાં મલેરીયાના મચ્છરોના ઈંડા થતા નથી.
વધુમાં મલેરિયાના આંકડાની વાત કરીએ તો, ગત વર્ષે જાન્યુઆરીમાં મલેરિયાના 32 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરીમાં 20 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુની વાત કરીએ તો, ગયા વર્ષે 12 કેસ નોંધાયા હતા. આ વખતે 2 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. પરંતુ તેઓેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગત તારીખ 15-6-19થી ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે. અત્યાર સુધીમાં 7,125 જેટલા તાવના કેસો નોંધાયા છે. જેમા અત્યાર સુધી 79,466 જેટલી ડોકસી સાયક્લીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગત વર્ષ કરતા આરોગ્ય વિભાગ દ્વારા જુન માસથી શરૂ કરવામાં આવેલા સર્વે અને જાગૃતતા કાર્યક્રમને કારણે મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.