વલસાડ જિલ્લાના સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી અન્ડર 14 ખો-ખો સ્પર્ધાના 92 સ્પર્ધકોએ ખો-ખોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ અંગે વલસાડ જિલ્લા રમત ગમત અધિકારી એમ.એમ. પટેલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ અંતર્ગત અન્ડર 14 ભાઈઓ અને બહેનોની 13મી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી ખો-ખો રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 4 ઝોનના 96 ભાઈઓ અને 96 બહેનોએ 8 ટીમ વતી ભાગ લીધો છે.
વિજેતા ટીમનું સિલેક્શન કરી તેમાંથી એક ટીમ તૈયાર કરવામાં આવશે. જે ટીમ આગામી દિવસોમાં અમરાવતી ખાતે નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં આ ખેલાડીઓમાં વિજેતા ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા રોકડ પુરસ્કાર, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેનાથી તે આગામી દિવસોમાં શાળા-કોલેજમાં સારા શિક્ષણ માટે વિશેષ કોટામાં એડમિશન લઇ શકશે. તેમજ આ સર્ટિફિકેટના વર્ગ-3ની સરકારી નોકરીમાં 5 ટકા ઉમેરાવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ખેલ મહાકુંભથી બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિ બહાર આવે છે. તેમજ મોટાપાની વધતી સમસ્યામાં જો બાળકો ખેલ કુદમાં વ્યસ્ત રહેશે તો, શરીરને પણ ચુસ્ત તંદુરસ્ત રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલ ખેલ મહાકુંભમાં શરૂ કરાયેલ વિવિધ સ્પર્ધાત્મક રમતોમાં શાળાના વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે. ખો-ખો સ્પર્ધામાં પણ અનેક ખેલાડીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં હતાં.