વલસાડ: વલસાડ જિલ્લામાં ગાંધીનગરથી આવેલા સંયુક્ત નિયામક અને લાઇઝન અધિકારી ડૉક્ટર ગિરીશભાઇ ઠાકરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ વલસાડ જિલ્લામાં કોરોના બીમારી અંગે દર્દીઓ અને તેમને આપવામાં આવતી સારવાર અંગેની તમામ વિગતોની જાણકારી મેળવી હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરિક્ષણ કર્યું હતું.
તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 2223 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 2217 સેમ્પલ નેગેટિવ આવ્યા છે જ્યારે છ પોઝિટિવ આવ્યા હતા. એક દર્દીનું સુરતમાં મોત થયું છે અને હાલમાં એક કેસ GMERS હોસ્પિટલ ખાતે એક્ટિવ છે. વલસાડ જિલ્લામાં કુલ 13 જેટલી લેબોરેટરીમાં ટેમ્પો કલેક્શન કરવાની કામગીરી ચાલે છે અને અત્યાર સુધીમાં છ જેટલા કેસો જે કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ તમામની સાથે સંકળાયેલા અને તેમના સંપર્કમાં આવેલા 342 જેટલા લોકોને ક્વોરેન્ટાઇન કરી તેમના પર સેમ્પલો લેવામાં આવ્યા છે. પરંતુ આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ પ્રસંગે ડૉ. ઠાકરે જણાવ્યું કે, વાપીની જનસેવા હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશ્યન જેવા અનેક ડૉક્ટરો ડ્યૂટી ઉપર હાજર થયા નથી પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીએ તેમના મેનેજમેન્ટની કામગીરી પોતાના હસ્તક લઈને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાબતે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં તમામ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ તેમજ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમની કામગીરી સુદ્રઢ હોવાને કારણે યોગ્ય રીતે ચાલી રહી છે અને આગામી દિવસમાં જે એક દર્દી સારવાર હેઠળ છે તેના પણ રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપી દેવામાં આવશે. જે બાદ વલસાડ જિલ્લો પણ કોરોનામુક્ત બનશે
આ સાથે જ તેમણે વલસાડની જનતાને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.