આ બાબતે જીજ્ઞેશ મેવાણીએ હાઈકૉર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા. આ ઘટનામાં આજે જીગ્નેશ મેવાણી વલસાડ પોલીસ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યાં હતા. પોલીસે સતત ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી.
વલસાડમાં આવેલી આર.એન્ડ વી.એમ સ્કૂલના નામે એક ફેક વિડિઓ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન મોદીને ટેગ કરી ટ્વીટર પર ટ્વીટ કર્યો હતો. જેથી શાળાની બદનામી થવાની બાબતને સંદર્ભે આચાર્ય દ્વારા જીજ્ઞેશ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ હતી. આ બાબતે જીજ્ઞેશે હાઈકૉર્ટમાંથી આગોતરા જામીન લીધા બાદ આજે કૉર્ટના હુકમનું પાલન કરવા માટે વલસાડ પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ રજૂ કર્યો હતો.
આ બાબતે જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ પોતાની ભૂલ કબૂલી છે. તેમણે કહ્યું કે, તેમના દ્વારા મોટી ભૂલ થઈ છે અને તે બાબતે તેમણે એકવાર નહીં પરંતુ દસવાર માફી માંગવી પડે તો તેમાં તેઓ પાછળ નહીં પડે અને માફી માંગશે. તેમણે ગુજરાત સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, રૂપાણી સરકારને જીજ્ઞેશ મેવાણી પર પ્રેમ થયો છે. તેથી જ મારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અહીં પોલીસ સ્ટેશન હાજર થવા માટે તેઓ ગઈકાલે જ વલસાડ સર્કીટ હાઉસ પહોંચી ગયા હતા. જ્યાં તેમને મળવાં માટે વલસાડ કોંગ્રેસના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓની હોડ લાગી હતી.