સુરત: શહેરના ડુમસ રોડ સ્થિત VR મોલ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ફૂડ ઓર્ડરના વિવાદમાં વેઇટરે તેના સહકર્મીની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, શિવમ કિચન હોટલમાં વેઇટર તરીકે કામ કરતા 41 વર્ષીય અવિનાશ સિંહાએ પોતાના સહકર્મી અભિષેક વિષ્ણુશંકર તિવારીની ફ્રેન્ચ ફ્રાઇઝના ઓર્ડરને લઈને થયેલા વિવાદમાં હત્યા કરી નાખી હતી.
ઘટનાની વિગતો મુજબ, મગદલ્લા રોડ સ્થિત શિવમ કિચન હોટલમાં અભિષેક, તેનો ભાઈ અભિજીત અને આરોપી અવિનાશ વચ્ચે ફ્રેન્ચ ફ્રાઇઝ પીરસવાના મુદ્દે વિવાદ થયો હતો. વિવાદ બાદ તિવારી ભાઈઓ રિક્ષામાં નીકળ્યા ત્યારે VR મોલ સામેના સર્કસ ગ્રાઉન્ડ પાસે અવિનાશે તેમની રિક્ષા રોકી હતી. ત્યારબાદ અવિનાશે અભિષેક પર હથિયાર વડે હુમલો કર્યો. પરિણામે છાતી અને મોઢા પર થયેલા ઘા ના કારણે અભિષેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ડીસીપી વિજય સિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, બિહારના નવાડા જિલ્લાના ગોવિંદપુર ગામના વતની આરોપી અવિનાશની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. મૃતક અભિષેક અને તેનો ભાઈ ઉત્તર પ્રદેશના અયોધ્યાના મવઈ કલાથી રોજગારી માટે સુરત આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીનું હોટલમાં વર્તન યોગ્ય ન હતું, પરંતુ હોટલ વ્યવસ્થાપકને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: