જુનાગઢ: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્તરાયણ જુનાગઢ શહેર માટે ખૂબ સારા સમાચાર લઈને આવી. ગત વર્ષે આ જ સમયે ૨૫ કરતાં વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા, તેની સરખામણીએ આજે માત્ર ચાર પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા છે. પક્ષીઓ માટે આ વર્ષની જૂનાગઢની ઉત્તરાયણ ખૂબ સારી હોવાનું જણાઈ આવે છે.
પક્ષીઓ માટે જૂનાગઢની ઉત્તરાયણ ખૂબ સારી
આજે મકરસંક્રાંતિના તહેવારે સમગ્ર રાજ્યમાં સાત વ્યક્તિઓના મોત પતંગની દોરીને કારણે થયા હોવાના ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે, તેની વચ્ચે જુનાગઢ શહેરમાં આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે.
આજે રાત્રિના નવ વાગ્યા દરમિયાન કુલ ચાર પક્ષીઓ જેમાં ત્રણ કબૂતર અને એક સકરાનો સમાવેશ થાય છે, તે પતંગની દોરીથી ઘાયલ થયા હતા. આ સિવાય અન્ય પક્ષીઓ કોઈ ગંભીર રીતે ઘાયલ થયા ન હતા. જેને લઇને આ વર્ષની ઉતરાયણ પક્ષીઓ માટે ખૂબ સારી રહી હોવાનું જીવ દયા ચરિટેબલ ટ્રસ્ટ માની રહ્યું છે.
ગત વર્ષે 50 કરતા વધારે પક્ષીઓ થયા હતા ઘાયલ
ગત વર્ષની ઉતરાયણ જુનાગઢ શહેરમાં 50 કરતાં વધારે પક્ષીઓ ઘાયલ થયા હતા, અને કેટલાંક હતભાગી પક્ષીઓ પતંગની ઘાતક દોરીને કારણે મોતને પણ ભેટ્યા હતા. ત્યારે આ વખતની ઉતરાયણ પક્ષીઓ માટે ખૂબ સારી રહી છે. આજે દિવસ દરમિયાન જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોબાઈલ એમ્બ્યુલન્સ મારફતે સતત ઘાયલ પક્ષીઓને કોઈ વધુ નુકસાન થાય તે પૂર્વે તેને તબીબી સવલતો મળે તે માટેનું પણ આયોજન કર્યું હતું.
આજે દિવસ દરમિયાન ચાર જેટલા પક્ષીઓ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને તબીબી સવલતો આપીને નિરીક્ષણમાં રખાયા છે. આ સિવાય કેટલાક પક્ષીઓ કે જે પતંગની દોરીમાં ફસાયા હતા, તેને સ્વયંસેવકો દ્વારા સ્થળ પર જ મુક્ત કરીને તેમને ફરી ઉંચી ઉડાન માટે મોકલી આપવામાં આવ્યા હતા.