વાપી બજારમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ચાર વર્ષથી જય માતાજી પરિવાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરાઈ છે. જેમાં દરેક સમાજના યુવાનો ગરબે ઘૂમે છે. ગરબાનું આયોજન કોમી એકતાની ભાવના સાથે કરાઈ છે. આ શેરી ગરબામાં હિન્દૂ મુસ્લિમ સમાજનો સહયોગ મળે છે. દરરોજ મહાઆરતી સાથે ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. જે બાદ તમામ સમાજના લોકો માટે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
અયોજક પરશુરામ જોગમેરકરના જણાવ્યા મુજબ અમે અહીં ગરબે રમતા તમામ યુવક યુવતીઓની સલામતીને પણ ધ્યાને રાખી હિન્દૂ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓના સહકારથી આ આયોજન સુપેરે પાર પાડીએ છે.
ગરબા રમવા આવતા ખેલૈયાઓ પણ જય માતાજી પરિવારના આ આયોજનથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતાં અને પાર્ટી પ્લોટને બદલે ઘર આંગણે પૂરતી સલામતી સાથે ગરબે ઘુમવાની ખુશી વ્યક્ત કરી હતી.
તો, નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર હસન પઠાણે જણાવ્યું હતું કે જય માતાજી પરિવારે અહીં શેરી ગરબાના આયોજન અંગે અમને વાત કરી એટલે 4 વર્ષથી અમે તેમને સહયોગ કરીએ છીએ અને નવરાત્રીના નવે નવ દિવસ પરિવાર સાથે ગરબામાં ભાગ લઈએ છીએ. અમને સેવાનો મોકો જય માતાજી પરિવારે આપ્યો છે અને કોમી એકતાના નાતે અમે સંપૂર્ણ સહકાર આપીએ છે. ક્યારેય કોઈ તકલીફ પડતી નથી.
ઉલ્લેખનીય છે કે, જય માતાજી પરિવાર દ્વારા આયોજિત આ ગરબામાં વાપીમાં વસતા ગુજરાતીઓ અને અન્ય રાજ્યના યુવક યુવતીઓ, બાળકો, વડીલો સૌ કોઈ ગરબે રમી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.