- ભિલાડ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ
- મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકીંગ
- કોરોના કેસ વધતા સરહદ પર ચેકીંગ
ભિલાડ: ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ભિલાડ ચેકપોસ્ટ પર ફરી એકવાર લોકડાઉન સમયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈમાં કોરોનાના કેસ ફરી વધ્યા હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે વાહનચાલકોનું સઘન ચેકીંગ હાથ ધરી ટ્રાવેલ હસ્ટ્રી ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરી છે. વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલો જિલ્લો છે. ત્યારે, મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય ત્યારે કોરોનાના દર્દીઓ ગુજરાતમાં આવી ચેપ ના ફેલાવે તે અંગે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ પર વલસાડ કલેક્ટર, વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પોલીસ જવાનો અને આરોગ્યની ટીમને તૈનાત કરવામાં આવી છે.
વિદેશથી અને રાજ્ય બહારથી આવતા લોકોનું કોરોના ચેકીંગ
અહીં મહારાષ્ટ્રમાંથી આવતા વાહનચાલકોને પોલીસ અને RTOના જવાનો અટકાવી ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરી આરોગ્યની ટીમ પાસે તમામનું થર્મલ ગન વડે તાપમાન ચેક કરાવી, તમામના નામ સરનામાની નોંધણી કરી, શરદી ખાંસી જેવી બીમારી છે કે કેમ તે અંગે જાણકારી મેળવીને ત્યાર બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમમાં ભિલાડ ચેકપોસ્ટ પર 2 તબીબો સાથે પેરામેડીકલ સ્ટાફને 24 કલાક માટે તૈનાત કરવામાં આવ્યો છે.
બોર્ડર પર આરોગ્ય વિભાગ, પોલીસ જવાનો કર્યા તૈનાત
આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યા મુજબ, છેલ્લા 3 દિવસમાં 400 જેટલા લોકોની નોંધણી અને તપાસ કરવામાં આવી છે. જેમાંથી 2 જણા શંકાસ્પદ લાગતા તેમનો રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના લક્ષણો નહી આવતા હાલ એકપણ કેસ નોંધાયો નથી. જો કે અહીં કોરોના ટેસ્ટ માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી મળે તો તેને નજીકના આરોગ્ય કેન્દ્ર પર મોકલી આપવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.