વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે રાજીવ ગાંધી સભાકક્ષમાં યોજાઈ હતી. જેમાં પાલિકાના શાસક પક્ષના સભ્ય ઉજેશ પટેલ, યશેષ માલી, અને રાજેશ પટેલ દ્વારા કેદીના કપડાં ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષનું સભ્યપદ રદ કરવાના તારીખની રજૂઆત કરવા છતાં પણ મંગળવારે સભાનું આયોજન કરાયું હતું. જેથી 3 સભ્યોએ કેદીના કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.તો બીજી બાજુ એજન્ડાના કામો શરૂ ન થવાને કારણે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં ઉગ્ર ચર્ચા અને આક્ષેપોબાજી બાદ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કરીને શાસક પક્ષનો વિરોધ કર્યો હતો.
કેદી બનીને આવેલાં સભ્યોએ આ અંગે જણાવ્યું હતું કે, "કોઈ પણ કાર્યમાં વિરોધ કરવાથી એમને પોલીસની ઘમકી મળે છે. અગાઉ પણ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં એમની ઘરપકડ કરવામાં આવી હતી. આમ, અવાર-નવાર એમની સાથે કેદી જેવો વ્યવહાર કરવામાં આવે છે. જેથી રોષે ભરાયેલાં સભ્યોએ કેદીના કપડા પહેરીને વિરોધ કર્યો હતો." આમ, આ સામાન્ય સભામાં બંને પક્ષોએ પોત-પોતાના મુદ્દાઓને તંત્રનો વિરોધ કર્યો હતો.