વલસાડ : જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલ આસુરા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આ સમગ્ર વિસ્તારને કોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જ્યાં કોઈ આવન જાવન કરી શકતું નહોતું. ત્યારે આવા સમયે ગ્રામજનોની મદદ માટે ખીચડી વિતરણ કરવા માટે પહેલ ટ્રસ્ટના ઋષિતભાઈ મસરાનીએ અસુરા ગામના એક વડીલને ત્યાં વાંસના ઉપયોગથી બનાવવામાં આવી રહેલી કેટલીક ટોપલી, છાબડી, ફૂલદાની જેવી ચીજો જોઈ અને તરત જ તેમને નિર્ણય લીધો કે, લોકડાઉનમાં બેરોજગાર બનેલા 200 પરિવારોને વાંસની ચીજ વસ્તુઓના માધ્યમથી જ પગભર કરી શકાય તેમ છે. સ્થાનિક લોકોમાં પ્રતિભા છે, પણ તેને એક યોગ્ય દિશા નિર્દેશની જરૂર છે.
જેથી તેમને વડીલ જોડે વાતચીત કરી તો તેમને વાંસની ચીજો બનાવી આપવા માટે તૈયારી દર્શાવી, પરંતુ મૂંઝવણ એ હતી કે, તેનું વેચાણ ક્યાં કરવું અને કેવી રીતે કરવું,પણ બાદમાં ઋષિતભાઈએ એનો પણ માર્ગ કાઢ્યો. તેમણે સોશ્યિલ મીડિયામાં આ ચીજોના ફોટો મુકવા માંડ્યા. જ્યારે બીજી તરફ તેની ખરીદી માટે ઓર્ડર આવવા લાગ્યા હતા. ઋષિતભાઈએ આ પરિવારોને પગભર થવા માટે વાંસની પ્રથમ ખરીદી માટે 2000 રૂપિયા સુધીની સહાય પણ કરી હતી. જેમનો નાનકડો વિચારે આજે લોકડાઉનમાં 200 લોકોને રોજી આપી છે. આમ આસુરામાં આજે 200 લોકો વાંસની વિવિધ કલાત્મક ચીજો બનાવીને નાણાં મેળવી લોકડાઉનમાં પણ જીવન ગુજરાન ચલાવી રહ્યાં છે.
મહત્વનું છે કે,ઋષિતભાઈ અને તેમના પત્ની પૂર્વજા મસરાની ધરમપુર અનેક અન્ય સામાજિક કર્યો પણ કરી રહ્યાં છે. લોકડાઉન દરમ્યાન તેમના દ્વારા જરૂરિયાત મંદ પરિવારને અનાજની કીટનું વિતરણ તેમજ માસ્ક વિતરણ અને 50 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, તેમજ હજુ પણ આ ઉમદા કામગીરી અવિરત ચાલી રહી છે.