જુનાગઢ: માર્કેટિંગના જમાનામાં ફેશનનો ફંડા સૌથી વધારે ચર્ચાસ્પદ અને પસંદ થતો હોય છે. આવો જ એક માર્કેટિંગનો ફંડા જૂનાગઢના યુવાને આજથી શરૂ કર્યો છે. રાજસ્થાનના રજવાડી ઠાઠ સાથેના બળદગાડામાં જૂનાગઢના યુવાન પ્રકાશ કટારીયાએ અનોખી રીતે ભવનાથમાં આજથી કાવાનું વેચાણ શરૂ કર્યું છે.
કાવો ભવનાથમાં ઘણા વર્ષોથી સમગ્ર વર્ષ દરમિયાન વહેંચાતું દેશી પીણું છે. પરંતુ પ્રકાશ કટારીયાએ કાવાને વેચવા માટે બળદગાડાનો ઉપયોગ કરીને સૌ કોઈની નજર હાલ ખેંચી રહ્યો છે.
માર્કેટિંગનો ફંડા બન્યું રાજસ્થાની બળદ ગાડું
જુનાગઢના ભવનાથમાં રાજસ્થાની બળદ ગાડુ આજથી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે, જૂનાગઢના યુવાન પ્રકાશ કટારીયા દ્વારા આજથી રાજસ્થાનના બળદગાડામાં કાવો વેચવાની શરૂઆત કરી છે. ભવનાથમાં વર્ષોથી શિયાળા દરમિયાન દેશી બનાવટથી બનતો કાવો અનેક જગ્યા પર વહેંચાઈ રહ્યો છે, પરંતુ પ્રકાશ કટારીયાએ કાવાને એક રજવાડી ઠાઠ આપવા માટે રાજસ્થાની પરંપરાના રજવાડી ગાડાનો કેન્દ્ર સ્થાને રાખ્યું છે, અને આજ ગાડા પર આજથી કાવો વેચવાની શરૂઆત કરી છે.
આધુનિક સમયમાં માર્કેટિંગ ના ફંડા તરીકે નાના વેપારીઓ અવનવા તુક્કા અજમાવતા હોય છે. પરંતુ પ્રકાશ કટારીયાએ ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને ખેડૂતોની પરંપરા અને ખેડૂતોના વાહનને પ્રાધાન્ય મળે લોકો ખેડૂત પ્રત્યે વધારે જાગૃત બને તેવા ઉદ્દેશ સાથે પણ બળદ ગાડામાં કાવો વહેંચવાની શરૂઆત કરી છે.
રાજસ્થાની પરંપરાનું ગાડું બનાવ્યું
પ્રકાશ કટારીયા એ રાજસ્થાની પરંપરાનું ગાડું ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી 1 લાખ 30,હજારમાં વેચાતું લઈને તેમાં કચ્છના કારીગરો દ્વારા રીપેરીંગ કરીને આ ગાડાને દોઢ લાખ રૂપિયામાં તૈયાર કરાવ્યું છે. રિપેરીંગ થયા બાદ રાજસ્થાની બનાવટનું આ ગાડુ આજે આધુનિક ફેશન ફંડા તરીકે પણ સૌ કોઈની નજર ખેંચી રહ્યું છે.
સામાન્ય રીતે કોઈપણ ખાદ્ય ચીજ વસ્તુને લોકો સુધી પહોંચતી કરવા માટે આધુનિક સમયમાં ફેશન ફંડા આટલા જ જરૂરી છે ત્યારે જૂનાગઢના યુવાન પ્રકાશ કટારીયા એ ખેડૂતોના સાધન બળદ ગાડાને આધુનિક સમયમાં માર્કેટિંગ અને ફેશન ફંડાના એક નવા પર્યાય રૂપે વિકસાવીને આજથી કાવો વેચવાની શરૂઆત કરી છે.
દેશી કાવાની બનાવટ: જૂનાગઢના ભવનાથમાં કાવો વર્ષોથી પીવાતું એક આયુર્વેદિક પીણુ છે જેમાં આદુ,લીંબુ,ફુદીનો,અજમો અને તુલસીના પાન, કાળા મરી, સંચળ, મીઠું અને બુંદીદાણા નાખીને તેને સતત પિત્તળના વાસણમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વનો કાવો તૈયાર થાય છે. શિયાળાના દિવસોમાં અને ખાસ કરીને ચોમાસાના વરસાદના સમયમાં ભવનાથમાં કાવો પીવા માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળે છે, ત્યારે આજથી શરૂ થયેલી કાવાની આ ગાડા પરની સવારી ભવનાથમાં એક નવું આકર્ષણ ઊભું કરી રહી છે. હાલ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો ત્રણ અલગ-અલગ ટેસ્ટમાં કાવો મળી રહ્યો છે, પરંતુ આજે ચર્ચા કાવા કરતાં રાજસ્થાની ઠાઠના ગાડાએ સૌથી વધારે જગાવી છે.