વડોદરા: હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા સુદ ચોથના મહિનાના સુદ પક્ષની ચતુર્થીને ગણપતિ બાપ્પાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. ડભોઈ નગરની મધ્યમાં લાલ બજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પાસે આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજીના મંદિરે ગણપતિ બાપાના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે સાંજે 7:00 કલાકે નાના ભૂલકાઓ દ્વારા કેક કાપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડભોઇમાં અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસનમાં સ્થાપિત સિદ્ધિવિનાયક મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો "ગણપતિ બપ્પા મોરિયા"ના નારા લગાવી કેક કાપી સમૂહ આરતી કરવામાં આવી હતી.
ગણપતિ બાપ્પાને કેકનો ભોગ: ડભોઇના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ બપ્પાને વિવિધ પ્રકારના ભોગ જેવા કે, શીરો, બુંદી, ચોકલેટ ,લાડુ અને કેકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મંદિર ખાતે ઉપસ્થિત નાના ભૂલકાઓ દ્વારા ગણેશજીના જન્મદિન નિમિત્તે કેક કાપીને શ્રદ્ધાભેર ઉપસ્થિત ભક્તજનોએ આરતી કરી હતી અને ગણપતિ બપ્પા મોરિયા અને હેપી બર્થ ડેના નારા લગાવ્યા હતા.
ફુગ્ગા અને ઇંગ્લિશ ફૂલો દ્વારા સુશોભન: મહા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ હોય છે. જે નિમિત્તે ડભોઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને ભક્તજનો દ્વારા આકર્ષક ઇંગ્લિશ ફૂલોથી ભગવાન ગણેશજીનું સિંહાસન શણગારવામાં આવ્યું હતું . ઉપરાંત આકર્ષક રંગબેરંગી ફુગ્ગાઓથી અને લાઇટોની રોશનીથી મંદિરને સુશોભિત કર્યું હતું.
મરાઠી પરિવારો દ્વારા સ્થાપિત ગણેશજી: આશરે અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસનમાં ડભોઇમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારજનો તેમજ નગરજનોએ સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવા આરસના જમણી સૂંઢના ગણપતિજીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી કરી હતી. આ સિદ્ધિવિનાયક મંદિરે મહા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ હોવાથી મંદિરને લાઇટ ડેકોરેશન તેમજ ફૂલોના હાર વડે શણગારવામાં આવ્યું હતું. ત્યારે સૌ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશજી જ્ઞાન અને બુદ્ધિના દેવતા હોવાથી વિદ્યાર્થીઓ ગણપતિની પ્રતિમા પાસે બેસીને દસ મિનિટ સુધી " ઓમ વિદ્યા પદા ત્રે ગણેશાય નમઃ " મંત્રના જપ કર્યા હતા.
જમણી સૂંઢના ગણેશજી બિરાજમાન: સમગ્ર ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો ગણપતિની મૂર્તિ જોવા મળે, એ પરંતુ મોટેભાગે ડાબી સૂંઢના જ ગણપતિની પ્રતિમા હોય છે. પરંતુ સમગ્ર ગુજરાતની અંદર લગભગ 3થી 4 જ મંદિરમાં જમણી સૂંઢના બિરાજમાન ગણેશજી જોવા મળે છે. જેથી ભક્તજનોમાં આ ગણેશજી માટે ભારે આકર્ષણ અને શ્રદ્ધા જોવા મળતી હોય છે. એટલું જ નહીં પરંતુ રાજા રજવાડા વખતની સ્થાપિત મૂર્તિ અને આ મંદિરમાં ગણેશજી હાજરા હજૂર છે. તેમજ ભક્તજનો દ્વારા આ મંદિરેથી લીધેલી દરેક ટેક ગણેશજી પૂર્ણ કરતા હોય છે. તેવું ભક્તોએ જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ: ડભોઇ નગરીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતી માટે આવતા હોય છે. આજરોજ ગણેશજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પણ મંદીના વહીવટ કરતાઓ દ્વારા સુગમ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જેને લઈને ભક્તો શાંતિથી દર્શન અને આરતીનો લાભ પણ લઈ શકે, આ મંદિરના પ્રાંગણમાં ગણેશજીનું પ્રાગટ્ય દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ ભક્તજનોએ ભારે શ્રદ્ધાભેર આરતી કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: