શીખ સમાજના ઉદ્ધારક ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિ નિમિત્તે વાપીમાં આવેલા ગુરૂદ્વારા ખાતે કીર્તન, લંગર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપી પંજાબી ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન એસ.એસ.સરનાએ જણાવ્યું હતું કે, ગુરૂ નાનક સાહેબ શીખ ધર્મના ઉદ્ધારક અને સ્થાપક હતાં. તેમણે આજથી 550 વર્ષ પહેલા તમામ વર્ણ સમાન વર્ણ હોવાની શીખ આપી હતી અને ત્યારથી શીખ સમાજમાં કોઈ વર્ણભેદ નથી. ઉપરાંત સ્ત્રી-પુરુષને એક સમાન ગણવામાં આવ્યા છે. તેમણે સમાજના ઉદ્ધાર માટે અનેક સેવાકીય કાર્યો કર્યા છે.
આ વખતનું પ્રકાશ પર્વ શીખ સમાજના લોકો માટે વિશેષ ભેટનું પર્વ છે. વર્ષોથી શીખ સમાજ કરતાર સાહેબના દર્શન માટે માંગણી કરી રહ્યો હતો. આ વર્ષે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે અમારી માગણી સંતોષી છે અને અનોખી ભેટ સ્વરૂપે કરતારપુર કોરિડોર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કરતારપુર કોરિડોર પહેલા વેરાન જંગલ હતું અને આ વિસ્તારમાં માત્ર ખેતી જ થતી હતી. જ્યારે હવે આ કોરિડોરને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે. આ સાથે જ ભારતમાં રહેતા શીખ સમાજના લોકો સરળતાથી કરતારપુર સાહેબના દર્શનાર્થે જઈ શકશે અને પોતાની મન્નત પૂર્ણ કરી શકશે.