વલસાડઃ આજે ધરમપુરમાં નાનાપોઢા માર્ગ પર આવેલ એક હોટલના પ્રાંગણમાં 300થી વધુ ડ્રાઈવર્સ એકઠા થયા હતા. કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના ગુનામાં નવી સજાની જે જોગવાઈ કરી છે તેના વિરોધમાં આ ડ્રાઈવર્સ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં વાસંદાના અપક્ષ ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા. તેમણે વિપક્ષ તરીકે સરકારને આ સજાની જોગવાઈ પરત લેવા માટે માંગણી કરી હતી. ધારાસભ્યએ આ સજાની નવી જોગવાઈઓને વખોડી કાઢી હતી.
નાની નોકરી કરતો ડ્રાઈવરઃ આજે ઉપસ્થિત થયેલ તમામ ડ્રાયવર્સનો એક જ મત હતો કે, અમે 10થી 15 હજારની નોકરી કરતા નાના માણસો છીએ. અકસ્માતમાં અમને 5 લાખનો દંડ કરવામાં આવે તો અમે ક્યાંથી ભરીએ. તેમજ 10 વર્ષની સજાની કેદ પણ આકરી છે. જો 10 વર્ષ અમે જેલમાં રહીએ તો અમારા પરિવારનું શું થાય, અમારા પરિવારને કોણ ખવડાવે? આવા વેધક સવાલોની ધારદાર રજૂઆતો આજના વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી હતી. એક નાની નોકરી કરતા ડ્રાઈવર માટે આ સજાની જોગવાઈઓ બહુ આકરી છે. ડ્રાઈવર્સ ક્યારેય જાણી જોઈને અકસ્માત કરે નહીં અને માનવી તો શું પશુનો પણ જીવ લે નહીં. આવો સૂર આજના વિરોધ પ્રદર્શનમાં ઉઠ્યો હતો.
8 જાન્યુઆરીએ વ્યાપક વિરોધ પ્રદર્શનઃ આજે એકત્ર થયેલા ડ્રાઈવર્સ આ વિરોધ પ્રદર્શનની વ્યાપક અને સઘન રણનીતિ બનાવવા માટે આગામી 8 જાન્યુઆરીએ એકઠા થવાના છે. વલસાડના ધરમપુરમાં આખા ય જિલ્લાના તમામ ડ્રાયવર્સ એકત્ર થવાના છે. આ કાયદાની સજાના વ્યવસ્થિત અને સુનિયોજિત વિરોધ માટે એક સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવશે. જેમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનની વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવશે.
પાર્લિયામેન્ટમાં જે બિલ પસાર થયું તેમાં અકસ્માતમાં ડ્રાઈવર્સને 5 લાખ દંડ અને 10 વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે. હવે ડ્રાઈવર પોતે પોતાના જીવના જોખમે નોકરી કરતા હોય છે. તેમના માટે આ સજા કાળા કાયદા બરાબર છે. કોરોનામાં આ ડ્રાઈવર્સે માલ સામાન પહોંચાડવામાં બહુ મદદ કરી હતી. કોઈ ડ્રાઈવર ક્યારેય કીડીનેય મારવાના ઈરાદે ડ્રાઈવિંગ કરતો નથી. તેમના વિરુદ્ધમાં જ આ કાળો કાયદો ચલાવી લેવાય નહીં. એક વિપક્ષ તરીકે પણ અમે ડ્રાઈવર્સના આંદોલનમાં તેમની સાથે છીએ. આગામી 8મી જાન્યુઆરીના રોજ વલસાડના તમામ ડ્રાઈવર્સ એકત્ર થઈને આગળની રણનીતિ નક્કી કરીશું...અનંત પટેલ(ધારાસભ્ય, વાસંદા)
અકસ્માતમાં અમને 5 લાખનો દંડ કરવામાં આવે તો અમે ક્યાંથી ભરીએ. તેમજ 10 વર્ષની સજાની કેદ પણ આકરી છે. જો 10 વર્ષ અમે જેલમાં રહીએ તો અમારા પરિવારનું શું થાય, અમારા પરિવારને કોણ ખવડાવે?... ગણેશ રાઠોડ(ડ્રાઈવર, ધરમપુર)