વલસાડઃ જિલ્લાના કવાલના ખાડા કુવા ફળિયામાં આજે રવિવારે વરસાદી માહોલ વચ્ચે તીવ્ર પવન સાથે ચક્રવાત જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં 6 જેટલા ઘરને નુકસાન થયું છે. પવનની ગતિ એટલી તેજ હતી કે, ગણતરીની મિનિટોમાં દરેક ઘરના સિમેન્ટમાં પતરા ઉડ્યા હતા.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ
- કવાલ ગામે વરસાદના કારણે અનેક ઘરને નુકસાન
- લોકોની ઘરવખરી વરસાદમાં પલળી
- પવનની તેજ ગતિના કારણે મકાનના પતરા ઉડ્યા
- વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર ફરક્યા જ નહીં
- સ્થાનિકોની માગ છે કે, તેમને સરકારી સહાય મળે
ભારે પવનના કારણે ઘરના પતરા એકાએક ઉડી જતા વરસાદનું પાણી ઘરમાં ઘૂસ્યું હતું. જેના કારણે ઘરવખરીને વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું હતું. અચાનક આવેલા આ ચક્રવાતને લઈને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. તેજ પવન સાથે વરસાદમાં કોઇ જાનહાની થઇ નહોતી, પરંતુ અચાનક બનેલી ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો.
પવન એટલી તેજ ગતિથી ફૂંકાયો હતો કે, એક ઘરના તો ૪૨ જેટલા પતરા એકસાથે ઉડી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ગામના સરપંચ મનોજભાઈ પટેલ ખાંડા કુવા ફળિયામાં પહોંચ્યા હતા અને નુકસાન થયેલા ઘર માલિકોને વિવિધ સગવડો પૂરી પાડી હતી. કેટલાક ઘરોને તાડપત્રી આપીને ઢાંકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કવાલના ખાડા કુવા ફળિયામાં રહેતા 6 જેટલા ઘરના માલિક અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ, રમેશભાઇ લલ્લુભાઇ પટેલ, રાજેશભાઈ રતિલાલ ભાઈ પટેલ, પ્રવિણ ભાઈ મગન ભાઈ પટેલ, ચંપકભાઈ શંકરભાઈ પટેલ તેમજ ઇલાબેન રતિલાલ પટેલને ચક્રવાતના પગલે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે હજુ સુધી કેટલું નુકસાન થયું તેનો અંદાજ આવ્યો નથી, પરંતુ તેઓના ઘરોમાં વરસાદના પાણી પડતા ઘરવખરીને ખૂબ જ નુકસાન થયું છે.
નોંધનીય છે કે, આ ઘટનામાં અનેક ઘરને નુકસાન થયું હોવા છતાં પણ વહીવટીતંત્રમાંથી એક પણ અધિકારી સાંજે ચાર વાગ્યા સુધી સ્થળ ઉપર જોવા મળ્યા નહોતા. તમામ અધિકારીઓએ માત્ર સરપંચને ફોન કરીને પૂછપરછ કરી હતી. જો કે, આવી ગંભીર ઘટનાઓમાં તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીએ સ્થળ પર મુલાકાત લઇ તમામ ઘર માલિકોને કેટલું નુકસાન થયું તે અંગેની જાણકારી મેળવવી જોઈએ. નુકસાન પહોંચેલ આ ઘર માલિકોની માંગ છે કે તેઓને થયેલા નુકસાનમાં સરકારી સહાય મળે.