વલસાડઃ રાજસ્થાનથી મહારાષ્ટ્રની દેવનારની મંડીમાં ટ્રક ભરીને બકરા વેચવા નીકળેલા 30થી વધુ ટ્રકને મહારાષ્ટ્ર સરકારે પરમિશન નહી આપતા, બકરાના વેપારીઓએ વાપીમાં ખોટ ખાઈને બકરા વેચવા પડી રહ્યા છે. ઈદના પર્વમાં બલિદાન માટે મહારાષ્ટ્ર સરકાર બકરાઓને લઈ જવા પરમિશન આપે તેવી માગ પણ બકરાના વેપારીઓએ કરી છે.
ઈદના પર્વને ધ્યાને રાખી રાજસ્થાનથી 32 જેટલી ટ્રકમાં બકરા લઈને મહારાષ્ટ્રની દેવનાર મંડીમાં જતા બકરા વેપારીઓ ફસાયા છે. મહારાષ્ટ્ર સરકારે બકરાઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને કારણે આ બકરા માલિકોની હાલત કફોડી બની છે. જેમાંના કેટલાક વેપારીઓને વાપીમાં બકરા વેંચવા માટે તેમજ સાર સંભાળ માટે જગ્યા આપતા તેઓએ વાપીમાં જ ખોટ ખાઈને બકરા વેંચવા પડી રહ્યા છે.
બકરાના ખરીદ વેચાણનો ધંધો કરતા મોહંમદ સદ્દામ હુસૈને જણાવ્યું હતું કે તે 110 જેટલા બકરા ટ્રકમાં ભરીને નીકળ્યો હતો. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોંચતા 30 કલાક થયા હતા. 30 કલાકથી બકરા ભૂખ્યા હતાં. તેવામાં બોર્ડર પર અટકાવી દેતા તેણે વધુ 24 કલાક ત્યાં પરમિશન માટે આજીજી કરી પરંતુ પરમિશન મળી નહી એ દરમિયાન વરસાદ વરસતા ભૂખ્યા તરસ્યા બકરાઓ ટ્રકની ફાલકાની ઝાળી માથી જીબ બહાર કાઢી પ્યાસ બુઝાવતા હતા. એ દ્રશ્યો જોવાતા નહોતા કેમ કે આ બકરાઓની ખૂબ જ કાળજી રાખીને લાવ્યા હતાં. આખરે વાપીના લઘુમતી સમાજના એક પરિવારે જગ્યા અને ભોજનનો બંદોબસ્ત કરી આપતા હવે વાપીમાં જ આ બકરાઓને વેંચી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે મોહમદ સદ્દામ હુસેન પાસે 10 હજારથી લઈને 30 હજારની કિંમતના બકરા છે. એ માટે તેણે લોકડાઉનમાં વ્યાજે નાણાં લઈ બકરાઓની ખરીદી કરી ટ્રક ભાડે કરી મહારાષ્ટ્રમાં તેને વેંચવા જવાનો હતો. પરંતુ પરમિશનના અભાવે હવે વાપીમાં જ 10 થી 16 હજારમાં ખોટ ખાઈને બકરા વેંચવા પડી રહ્યા છે. આવા જ હાલ અન્ય બકરા માલિકોના છે. જે તમામને અંદાજીત 2 થી અઢી લાખનું નુકસાન થઈ રહ્યું છે.