સુરત: સુરત શહેરના ઝાંપા બજારમાં આવેલા નુરપુરના બેઝમેન્ટમાં મોડી રાત્રે નોનવેઝ ખાવા ભેગી થયેલી મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. AC હોલમાં ઓકસીજનનું લેવલ ઘટી જતાં આ ઘટના બની હોવાનું પ્રારંભીક ધોરણે મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
સુરત શહેર ખાતે આવેલા ઝાંપાબજાર દેવડીની પાછળ નૂરપુરાના બેઝમેન્ટમાં હોલમાં આવેલો છે. આ બેઝમેન્ટમાં ગત મોડી રાતે બહોળી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. AC હોલમાં જમવા માટે ભેગી થયેલી મહિલાઓ ટપોટપ નીચે પડી ગઈ હતી. તેઓ બેભાન થઈ ગઈ હતી. ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડીરાત્રે બનેલી ઘટનાને લઈને ભાગદોડ મચી જવા પામી હતી.
![સુરતમાં અચાનક મહિલાઓ થઈ બેભાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2024/gj-surat-rural01-bebhan-gj10065_08112024192824_0811f_1731074304_871.jpg)
દાઉદી વોરા સમાજના રાત્રિભોજન માટે AC હોલમાં નોન-વેજ સિઝલરનું આયોજન કરવામાં આવ્યું હતું. બેભાન થઈ ગયેલી મહિલાઓને હાજર લોકોએ ઊભા કરવાનો પ્રયાસો કર્યા પણ કોઈ ફેર નહીં પડતા તુરત નજીકની હોસ્પિટલમાં જાણ કરવામાં આવી હતી. જેને કારણે સુરત ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સો ત્યાં આવી ગઈ હતી. જેને લઇને આખો વિસ્તાર એમ્બ્યુલન્સના અવાજથી ગુંજી ઊઠ્યો હતો. 20 પૈકી 10 મહિલાઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
ઘોડા છૂટયા અને તબેલાને તાળા મારવા દોડ્યા તેવો ઘાટ ઘડાયો હતો. ઘટનાને કલાકો વીત્યા બાદ સુરત મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓએ જાગ્યા હતા અને બેઝમેન્ટને સિલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.