ડીજેના સંગીતમાં, ઢોલ-નગારાના ધબકારે ગુરુવારે વલસાડ જિલ્લાના વાપી સહિતના વિવિધ વિસ્તારો અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વિઘ્નહર્તાની વિદાયયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તિભાવથી સંપન્ન થતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. વાપીમાં દમણગંગા નદી, કોલક રાતાખાડી, પાર, ઔરંગા નદી ગણેશ વિસર્જન યાત્રાનો છેલ્લો પડાવ બની હતી. સાંજથી મોડી રાત સુધી રસ્તાઓ પર ભીડ જોવા મળી હતી. ગણપતિ બાપા મોરિયા.... અગલે બરસ તુ જલ્દી આ...... ના નારા સાથે નદીનો કિનારો ગુંજી ઉઠ્યો હતો.
સેલવાસમાં પણ મોટી સંખ્યામાં ગણેશભક્તોએ બાપાનું વિસર્જન કર્યું હતું. દાદરાનગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું અનંત ચૌદશના દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસના પીપરયા વિસ્તારના પીપરીયાના રાજાની વિસર્જનયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. એ જ રીતે દમણમાં પણ મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દમણના જેટી ખાતે વાપી અને દમણ વિસ્તારમાં સ્થાપીત અંદાજિત 40 જેટલી મોટી પ્રતિમાને ક્રેઇનના સહારે વિસર્જિત કરી હતી.
વાપી અને તેની આસપાસની નાની-મોટી પ્રતિમાનું સ્થાપન કરનાર મંડળ દ્વારા દમણગંગા નદી કિનારે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. આ નદી કિનારે શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં માટીની મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જ્યારે અન્ય popની નાની-મોટી મૂર્તિઓનું ફાયરના જવાનોએ દમણગંગા નદીમાં વિસર્જન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાપી, દમણ અને સેલવાસ સહિત વલસાડ જિલ્લાના ભિલાડ અને ઉમરગામના વિસ્તારમાં પણ ગણેશ ચતુર્થીના રોજ ગણેશ ભક્તોએ બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્વક ગણેશજીની સ્થાપના કરી હતી. સવાર-સાજ ગણેશજીની પૂજા આરતી કર્યા બાદ અનંત ચૌદશના રોજ ગણેશજીની પ્રતિમાઓની અંતિમ આરતી ઉતારી નદી કિનારે અને દરિયાકિનારે વિસર્જિત કરી હતી.